(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો તરખાટ, ગુજરાતના આ શહેરમાં એક જ દિવસમાં નવા 75 દર્દી નોંધાયા
હાલ સૌરાષ્ટ્રમાં કોરોના કરતા પણ વધુ ડર મ્યુકોરમાઈકોસિસનો ઉભો થયો છે. આ રોગની સારવાર ખર્ચાળ અને લાંબો સમય સુધી લેવી પડે તેવી સ્થિતિ છે.
કોરોનાથી સ્વસ્થ થનારા પરંતું ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પીડાતા દર્દીઓ હવે મ્યુકોરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં નવા 75 દર્દીઓ નોંધાયા. ગઈકાલ સુધી અમદાવાદ સિવિલમાં 221 દર્દીઓ દાખલ હતા. જોકે શુક્રવારે સાંજ સુધીમાં નવા 75 દર્દીઓ દાખલ થતા હવે કુલ દાખલ દર્દીનો આંક 296 પર પહોંચી ગયો છે.
આટલું જ નહીં પરંતું બે દિવસમાં નવા ચાર વૉર્ડ કાર્યરત કરવા પડ્યા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં હવે ત્રીજા માળે મ્યુકોરમાઈકોસિસના કુલ છ વૉર્ડ કાર્યરત થઈ ગયા છે. કોરોના મહામારી પહેલા સિવલમાં મ્યુકોરમાઈકોસિસના એક વર્ષમાં માંડ 10 ઓપરેશન થતા હતાં. પરંતું હાલમાં સ્થિતિ એટલી હદે બેકાબૂ બની ગઈ છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક 20થી 25 ઓપરેશન થઈ રહ્યા છે. તો શુક્રવારે સાંજ સુધીમાં 23 ઓપરેશન કરવામાં આવ્યા હતા.
તો મ્યુકર માઈકોસિસના વધતા કેસો વચ્ચે દવા, ઈંજેકશન પણ ઉપલબ્ધ નથી. જેના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ દિન-પ્રતિદિન કફોડી બની રહી છે. સિવિલ હોસ્પિટલમાં પણ ઈંજેકશનની અછત છે પરંતું સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે લોકોને આ રોગ અંગે એલર્ટ કરવા ટીમો દોડાવાઈ છે.
હાલ સૌરાષ્ટ્રમાં કોરોના કરતા પણ વધુ ડર મ્યુકોરમાઈકોસિસનો ઉભો થયો છે. આ રોગની સારવાર ખર્ચાળ અને લાંબો સમય સુધી લેવી પડે તેવી સ્થિતિ છે. મધ્યવર્ગને જો મ્યુકોરમાઈકોસિસની બીમારી લાગુ પડે તો સારવાર પરવડે પડે તેમ નથી.
સૌરાષ્ટ્રમાં શહેરોની સાથોસાથ તાલુકામાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસો વધી રહ્યા છે. રાજકોટના જેતપુર તાલુકામાં જ 15 જેટલા કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને સતર્ક કરવા આશા વર્કરોને ડોર ટુ ડોર સર્વેલંસની કામગીરી સોંપી છે. તો એલર્જી વાળા દર્દીઓને અલગ- અલગ રાખી સારવાર શરૂ કરી દેવામાં આવી છે.