શોધખોળ કરો
નીતિન પટેલે દલિત સમાજ માટે શું કહેલું કે ઉગ્ર વિરોધ થતાં માફી માંગવી પડી ? પટેલે ટ્વિટ કરીને શું લખ્યું ?
દલિત સંસ્થાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાં સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દલિતોના આક્રોશને પગલે નીતિન પટેલે ટ્વિટ કરીને માફી માંગતાં મામલો શાંત પડયો હતો.

અમદાવાદઃ મોરબીમાં વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીના પ્રચાર વખતે એક જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દપ્રયોગ કરતાં રોષે ભરાયેલા દલિતોએ અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે નીતિન પટેલનાં પૂતળાં બાળ્યાં હતાં. દલિત સંસ્થાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પૂતળાં સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દલિતોના આક્રોશને પગલે નીતિન પટેલે ટ્વિટ કરીને માફી માંગતાં મામલો શાંત પડયો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મોરબી ખાતેની એક જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઈ પટેલે તથા ગુજરાતના દિગ્ગજ ફિલ્મ અભિનેતા-સંગીતકાર-ગાયક કલાકાર અને ભાજપના પૂર્વ સંસદ સભ્ય તથા ધારાસભ્ય એવા સ્વ. મહેશભાઈ કનોડીયા તથા સ્વ. નરેશભાઈ કનોડીયાના ગાંધીનગરના નિવાસસ્થાને જઈ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને ત્રણેય સ્વ. નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી તેવી હકીકતના વર્ણન વખતે મારા પ્રવચનમાં જે શબ્દપ્રયોગ મેં કર્યો હતો તે શબ્દના કારણે જ લાગણી દુભાઈ છે તેને ધ્યાનમાં રાખી હું તે શબ્દો પાછા ખેંચુ છું. કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઇરાદો હોત નહી અને હોઈ શકે પણ નહીં. સ્વ. નરેશભાઈ કનોડીયાને મારા દ્વારા જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને દરરોજ દિવસમાં બે વખત ફોન કરી હું તેમની તબીયતના ખબર અંતર પૂછતો હતો અને તેમના દિકરા શ્રી હિતુભાઈ કનોડીયા સાથે પણ હું સતત સંપર્કમાં હતો. જે અમારા વર્ષો જૂના સંબંધો અને અરસ-પરસનો સ્નેહ-પ્રેમ બતાવે છે. ત્રણેય સ્વ. નેતાઓને મારી હૃદય પૂર્વકની શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ.... નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્વ, કેશુભાઈ પટેલ તથા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઈને શ્રધ્ધાંજલિ આપી તે સંદર્ભમાં જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતાં ભડકો થયો હતો અને દલિતોમાં રોષ ભભૂક્યો હતો. સોશિયલ મિડીયામાં પણ નાયબ મુખ્યમંત્રીનો ભારે વિરોધ થયો હતો. ભારતીય દલિત પેન્થરે નીતિન પટેલ માંફી નહી માંગે તો સમગ્ર રાજ્યમાં પૂતળાદહન કરવા ચિમકી આપી હતી. તેના પગલે નીતિન પટેલે માફી માગી લીધી હતી. દલિત સંગઠનોએ નિતીન પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા તૈયારીઓ કરતાં અમદાવાદ પશ્ચિમમાં નીતિન પટેલના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ હતી. દલિત પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતું. મંગળવારે રાત્રે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર અને કૃષ્ણનગરમાં દલિત સંસ્થાના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને નીતિન પટેલનુ પૂતળુ સળગાવી રોષ ઠાલવ્યો હતો. આ સંદર્ભે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















