ગીર-સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા
Jagmal vala joined Aam Aadmi Party : ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.
AHMEDABAD : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓ અને પૂર્વ નેતાઓ એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાતા હોય છે. આજે આમ આદમી પાર્ટીમાં ગીર-સોમનાથ જિલ્લાના મોટા રાજકીય અને સામાજિક આગેવાન જોડાયા છે. ભાજપના પૂર્વ નેતા જગમાલ વાળા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જગમાલ વાળાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. આજે 26 મે ના રોજ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સંસ્થાપક સદસ્ય કિશોર દેસાઈએ ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું.
કિશોર દેસાઈએ જણાવ્યું હતું કે જગમાલ વાળા સેવાકીય પ્રવૃતી સાથે જોડાયેલા છે. રાજનીતિ સેવા માટે હોય છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોએ ધંધો બનાવી દીધો છે. જગમાલ વાળાએ જણાવ્યું હતું કે 1990થી જનતાદળમાં જોડાયેલો છું. પછી કોંગ્રેસમાં જોડાયો પણ મદદ ન કરી. અટલ બિહારી વાજપેયી સાથે જોડાયો અને તેમની વાતો સાંભળી હતી. હું વાજપેયીજીના કહેવાથી ભાજપમાં જોડાયો. મારે દેશની સેવા કરવી છે. મેં 20- 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યાં બાદમાં મેં ભાજપ છોડી અને 2012માં અપક્ષ લડ્યો.
સોમનાથના સમાજસેવી પૂર્વ ભાજપ નેતા શ્રી જગમલ વાળને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ! pic.twitter.com/UzdqfAWTui
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) May 26, 2022
જગમાલ વાળાએ ભાજપ પરાહરો કરતા કહ્યું કે ભાજપ સ્ટેજ પરથી કહે છે કંઈક અને કરે છે અલગ. 2014માં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થવાનું કહ્યું હતું પરંતુ હજી સુધી 5 ટકા જ વધી છે. બધામાં સરકારે ટેક્સ વધાર્યો છે. ભાજપમાં તમામ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. કેજરીવાલ સાહેબ આપણા દેશને મહાસત્તા પર મૂકી શકે છે.
તો કોંગ્રેસ વિષે જગમાલ વાળાએ કહ્યું કે કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે. ભાજપ- કોંગ્રેસ ધર્મના નામે છે. બંને પક્ષો એકબીજા સાથે મળેલા છે. પ્રજાની તેઓને પડી નથી. ભાજપે સબકા સાથ સબકા વિકાસ નહિ અને સબકા સાથ અપના વિકાસ કર્યું છે. કેજરીવાલ સબકા સાથ સબકા વિકાસ કરે છે. તેઓ દેશ માટે સારું કરશે માટે હું જોડાયો છે. સૌરાષ્ટ્રની 40 પર સીટો લડી અને જીતાડીશું. પોરબંદર, જૂનાગઢ અને સોમનાથ જિલ્લાની જીતાડવાની જવાબદારી આપી છે.