(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Corona Cases: અમદાવાદમાં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં 500થી વધુ કેસ નોંધાતા હાહાકાર
Ahmedabad Corona Cases Update: અમદાવાદમાં સતત ચોથા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1827 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. રાજ્યમાં થોડા દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. મંગળવારે રાજ્યમાં કોરોનાના વધુ ૧,૭૩૦ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી હતી.
4 દિવસમાં 1800થી વધુ કેસ
અમદાવાદમાં સતત ચોથા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. 23 માર્ચ, મંગળવારના રોજ 502, 22 માર્ચ, સોમવારના રોજ અમદાવાદ કોર્પોરેશનમાં 481, 21 માર્ચ રવિવારે 443 કેસ અને 20 માર્ચ શનિવારે 401 કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1827 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધીમાં શહેરમાં કેટલા નોંધાયા છે કેસ
મંગળવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 502 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 63,716 કેસ નોંધાયા છે. મંગળવારે વધુ 383 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 60,045 દર્દીઓ કોરોના મુકત થયા છે.
અમદાવાદમાં કેમ વધ્યા કેસ ?
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ તથા બે ટી-20 મેચ બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.