Delhi Model:ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી મોડેલ જોવા પહોંચ્યા રાજધાની, ગોપાલ ઈટાલીયાએ કહ્યું, કઈંક શીખીને આવજો
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના વિકાસને મોડલ બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે ત્યારે ભાજપે પણ દિલ્હીના વાસ્તવિક વિકાસનું નિરિક્ષણ કરવા માટે પૂર્વ મંત્રી અને ધારાસભ્યો સહિતના સભ્યોની ટીમને દિલ્હી મોકલી છે.
Delhi Model: ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીના વિકાસને મોડલ બનાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે ત્યારે ભાજપે પણ દિલ્હીના વાસ્તવિક વિકાસનું નિરિક્ષણ કરવા માટે પૂર્વ મંત્રી અને ધારાસભ્યો સહિતના 17 સભ્યોની ટીમને દિલ્હી મોકલી છે. જેને લઇને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
ભાજપનું આ 17 સભ્યોનું ડેલિગેશન બે દિવસ સુધી દિલ્હીમાં રોકાઈને કેજરીવાલ સરકારની કામગીરીનું નીરિક્ષણ કરશે. ત્યારે ગોપાલ ઇટાલીયા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હી ગયા છો તો કંઈક સારું શીખીને આવજો.ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, શિક્ષણની શરૂઆત દિલ્હીથી થઈ હતી, શિક્ષણની કાયાપલટ થઈ જેની સુગંધ આખા દેશમાં પ્રસરી, ત્યારે હવે ભાજપ જ્યારે દિલ્હીનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા જોવા ગયું છે ત્યારે આ બાબત આમ આદમી પાર્ટીની સફળતા કહેવાય. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ પણ આમ આદમી પાર્ટીના મુદ્દા તરફ વળ્યું છે તે આમ આદમી પાર્ટીની જીત છે. જે 17 ટુરિસ્ટ દિલ્લી ફરવા ગયા છે તેમને અભિનંદન અને આશા રાખીએ છીએ કે વિનંતી કે માત્ર ફોટો પાડીને નહીં પરંતુ દિલ્હીની સ્કુલ તેનું શિક્ષણ જોઈને કંઇક શીખીને આવજો.
ગુજરાત ભાજપ તરફથી જે લોકો દિલ્હી ગયા છે તેમા, જેમાં રમણ વોરા, અમિત ઠાકર ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા, યગ્નેશ દવે, જ્યોતિબેન અને શિક્ષણ વિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત સહિતની ટીમ 2 દિવસીય દિલ્હી પ્રવાસે છે. જેઓ દિલ્હી કેજરીવાલ મોડલનું નિરિક્ષણ કરશે. દિલ્હીમાં આ ટીમ 2 દિવસ રોકાશે અને દિલ્હી સ્કૂલ, મોહલ્લા ક્લિનિક, રોડ રસ્તાઓ અને સુવિધાઓ બાબતે જાત તપાસ કરશે. બે દિવસની દિલ્હી યાત્રા બાદ ગુજરાતમાં આવીને દિલ્હીની આપ સરકારની પોલ ખોલશે.