હાર્દિક પટેલે CMને પત્ર લખી કહ્યું, અમને પણ કામ આપો, સરકાર આદેશ આપશે એ પ્રમાણે કામ કરવા તૈયાર છીએ…
હાર્દિક પટેલે લખ્યું, આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ કાળો (Gujarat Corona Cases) કહેર વર્તાવ્યો છે. કોરોનાના આંકડા રાજ્યમાં રોજ નવી ટોચ બનાવી રહ્યા છે અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના (Congress) નેતા હાર્દિક પટેલે (Hardik Patel) સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે.
હાર્દિક પટેલે ફેસબુક પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijaybhai Rupani), હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં (Corona Pandemic) ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.
કોંગ્રેસે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમિત ચાવડાએ (Amit Chavda) ઈન્જેક્શનોનું કોંગ્રેસ દ્વારા મફત વિતરણ કરવાની તથા સરકાર દ્વારા શ્વેતપત્ર જાહેર કરવામાં આવી એવી માગણી કરાઈ હતી.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,02,796 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.