કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત સરકારે કઈ મહત્વની પરીક્ષા રાખી મોકૂફ? જાણો વિગત
માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સરકારે વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ ગુજરતા સરકારે પીઆઇ-પીએસઆઇની પ્રેક્ટિલ પરીક્ષાઓ કેન્સલ કરી દીધી હતી. આ અગાઉ જીપીએસસીની અલગ અલગ વિભાગની પરીક્ષા પણ રદ્દ કરી હતી.
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) - એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ: 22/01/2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.
ઉક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.10 એપ્રિલ, 2021ના રોજ યોજાનાર હતી, પરંતુ કોવિડ-19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે છે.
આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા અમારી વેબસાઈટ www.gujaratinformation.gujarat.gov.in જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.
રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે 2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 8, સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 804, સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96, રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.