ગુજરાત સરકારે પાટીદારો સામેના કયા 10 કેસ ખેંચ્યા પરત? જાણો સંપૂર્ણ વિગત
પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે.
અમદાવાદઃ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે.
રાજ્ય સરકારના આ નિર્ણય પર હાર્દિક પટેલે કહ્યું કે આ જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી. આનંદીબેનની સરકારમાં જાહેરાત થઈ હતી તે કેસ પરત ખેંચાયા છે. સરકાર સમાજને ગુમરાહ કરે છે, બધા કેસ પાછા ખેંચવા હાર્દિક પટેલે માંગ કરી છે. હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે. ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.
રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે.
સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ : અલ્પેશ કથીરિયા
આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.
ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈએ નિર્ણયને આવકાર્યો
આ અંગે ઉમિયાધામ, સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા અંગે અનેક પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. આ કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અંગત રસ લીધો છે, માટે આ બાબતનો શ્રેય ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને જાય છે.