ગુજરાત હાઈકોર્ટે ત્રણ આરોપીને થયેલી 125 વર્ષની સજા કરી રદ, ત્રણેય સામે શું ગુનો હતો તે જાણીને ચોંકી જશો
સેશન્સ કોર્ટે કરેલી આ સજા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરી હોવાનો પ્રથમ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં નોંધાયો છે. દરેક કેસમાં ટ્રાયલ કોર્ટે 3 અને 5 વર્ષની સજા આપી હતી.
અમદાવાદઃ નર્મદા જિલ્લાના ખેતરોમાં ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોયલની ચોરીના કેસમાં 3 દોષિતોને અલગ અલગ 25 કેસમાં થયેલી 25 વર્ષની સજાને ગુજરાત હાઈકોર્ટે રદી કરી દીધી છે. સેશન્સ કોર્ટે કરેલી આ સજા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરી હોવાનો પ્રથમ કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં નોંધાયો છે. દરેક કેસમાં ટ્રાયલ કોર્ટે 3 અને 5 વર્ષની સજા આપી હતી. જેમા અલગ ગુનામાં 5 વર્ષની સજા વારાફરતી ભોગવવી તેવો આદેશ કરાયો હતો. આ સજા સામે દોષિતોએ બે અપીલ કરી હતી. કોર્ટે અપીલને ગ્રાહ્ય રાખીને આરોપીને સજામાંથી મુકત કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે સજા રદ કરતા એવું અવલોકન કર્યુ છે કે, રાજકુમાર વિશ્વકર્મા, શ્રીકેશસિંહ રાજપૂત અને અશ્વિન પટેલ નામના દોષિતો સામે ઇલેકટ્રિકનો સામાન ચોરી કરવાની કુલ 25 ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં અલગ અલગ કલમો હેઠળ 3-3 વર્ષની અને કોઇ કલમ હેઠળ 5 વર્ષની સજા ફટકારી હતી. સાથે દંડની રકમ ન ભરે તો વધુ એટલા વર્ષ જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે 3 આરોપીની બધી સજા રદ કરી હતી. કોર્ટે તેના ચુકાદામાં ઠેરવ્યું છે કે, 125 વર્ષ સુધીની સજા ભોગવવી પડે તેવા સંતોષકારક પુરાવા મળ્યા નથી.
વર્ષ 2015-16માં નર્મદા જિલ્લામાં ઇલેક્ટ્રિક સામનની ચોરીના અનેક કિસ્સા સામે આવ્યા હતા. આથી પોલીસે આ કેસની તપાસ માટે ખાસ ટીમ બનાવી હતી. પોલીસ તપાસમાં સૌથી પહેલા આરોપ નંબર 3 પકડાયો હતો. જેની પૂછપરછમાં અન્ય 3 આરોપીઓ પણ પકડાયા હતા. આ પછી તેમની સામે અલગ અલગ 25 કેસ નોંધાયા હતા.
રાજપીપળા સેશન્સ કોર્ટે આરોપી નં-3ને નિર્દોષ છોડી મૂક્યો હતો. જ્યારે બાકીના 3 દોષિતોને કાયદા પ્રમાણે દરેક કેસમાં અલગ અલગ પાંચ વર્ષની સજા ફટકારી હતી. જેથી તેમની કુલ સજા 125 વર્ષની થતી હતી. જેની સામે ત્રણેય દોષિતોએ હાઈકોર્ટમાં અપીલ અને જામીન અરજી કરી હતી. વર્ષ 2018માં હાઈકોર્ટે અરજી માન્ય રાખી હતી અને ત્રણેયને અલગ અલગ કેસ દીઠ રૂ, 20 હજાર લેખે રૂપિયા 5 લાખ ભરવા આદેશ કર્યો હતો.
જોકે, બે દોષિત આ રકમ ભરી શક્યા નહોતો. જે હજુ જેલમાં હતા. દરમિયાન એક દોષિતે વચગાળાના જામીન માગતી અરજી કરી હતી. આ સમયે સમગ્ર બાબત હાઈકોર્ટના ધ્યાનમાં આવી હતી.