અમદાવાદમાં આઇટી વિભાગના દરોડાઃ 25 સ્થળો આઇટીની રડારમાં, મોટાપાયે બેનામી વ્યવહારોની આશંકા
એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ થઈ રહી છે. રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં દરોડા પડ્યા છે. બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું છે.
અમદાવાદઃ શહેરમાં એસ્ટરલ કંપની સાથે અલગ અલગ જગ્યાઓ પર આઇટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. રત્નમણી મેટલ્સ પણ આઇટી વિભાગની રડારમાં છે. શહેરમાં અલગ અલગ 25 સ્થળો પર આઇટી વિભાગ ત્રાટક્યું છે. બેનામી સંપત્તિ, રોકડ વ્યવહારો આ સહિત બિલ્ડરોને આપેલા મટિરિયલ્સના ઇનવોઇસ બીલની કોપીની પણ તપાસ કરાશે.
થોડા દિવસ અગાઉ માણેકચંદ ગ્રુપ અને અન્ય બિલ્ડરોને ત્યાં આઇટીની તવાઈ બોલાવવામાં આવી હતી, જેમાં માણેકચંદ ગ્રુપ પાસેથી અંદાજીત 5 હજાર કરોડની રોકડ રકમ મળી આવી હતી. આજની રેડમાં પણ બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોવાના અનુસંધાને રેડનું આયોજન થયું હોવાનું મનાય રહ્યું છે. કરોડોના બેનામી વ્યવહારો બહાર આવી શકે તેમ છે.
કુલ 40 જગ્યા પર IT ત્રાટકયું છે. અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિત શહેરોમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં એકસાથે 25 જગ્યા પર રેડ પાડી છે. એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ થઈ રહી છે. રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં દરોડા પડ્યા છે. બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. ગુજરાત બહાર 15 જગ્યાએ સર્વે અને સર્ચ કરાઈ રહ્યું છે.
ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બંને કંપની સાથે સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ દરોડા પડી છે. મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશકા છે.