ગુજરાતમાં વરસાદને લઈને શું આવ્યા મોટા રાહતના સમાચાર, હવામાન વિભાગે શું કરી આગાહી?
5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. જોકે, ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નહિ, તેમ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યા છે. 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. જોકે, ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નહિ, તેમ હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ વરસાદ વધશે. હાલ ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, ફરીથી વેટ સ્પેલ પણ આવશે. અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે.
ગુજરાતમાં કોંગ્રેસની જવાબદારી કોને સોંપવા ધારાસભ્યોએ કરી માગણી ? શંકરસિંહ વાઘેલા મુદ્દે શું કહ્યું ?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને મંગળવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ઝડપથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિયુક્તિ થાય તે મુદ્દે ચર્ચા થઈ હોવાન દાવો ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે એવી પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
બીજી તરફ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પાછા ફરશે એ મુદ્દે કોઈ ચર્ચા નહોતી કરાઈ. ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા મુદે કોઈ ચર્ચા નથી થઈ પરંતું કોઈ પણ નેતા કોંગ્રેસમા આવવા માંગતા હોય તો બધા માટે દ્વાર ખુલ્લાં છે. ધારાસભ્ય પ્રવિણ મુછડિયાએ કહ્યું કે, આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી દિવસોમાં પ્રજા વચ્ચે પહોંચવાના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે મિટિંગમાં પ્રદેશ સંગઠન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. સાડા પાંચ વાગ્યે શરૂ થયેલી બેઠક 9.30 વાગ્યા સુધી 4 કલાક ચાલી.
આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદ માટે નિર્ણય તાત્કાલિક લેવાય એવો સૂર હતો. આ મુદ્દે હાઇકમાન્ડને રજુઆત કરવા માટે દિલ્હી જવાની તૈયારી પણ ધારાસભ્યોએ દર્શાવી છે. મિટિંગમાં થયેલી ચર્ચાના આ મુદ્દાઓ કોંગ્રેસના એક સિનિયર નેતા હાઇકમાન્ડ સમક્ષ મૂકે એવી સહમતિ બની છે. આ ઉપરાંત 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું કે હાલના જ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે પણ હાઇકમાન્ડ નિર્ણય કરે એવો નિર્ણય લેવાયો છે.