અમદાવાદમાં ભ્રષ્ટાચારનો બ્રિજ: ૪૦ કરોડમાં બન્યો ને ૩ વર્ષથી બંધ, હવે તોડવા પાછળ બીજા ૯ કરોડ ખર્ચાશે!
૪૦ કરોડના ખર્ચે બનેલો બ્રિજ ૪ વર્ષમાં જ બિસ્માર, ૩ વર્ષથી વાહનવ્યવહાર બંધ, IIT રુડકીના રિપોર્ટમાં નબળી ગુણવત્તાનો ખુલાસો, AMC દ્વારા ત્રીજી વખત ટેન્ડર.

Hatkeshwar Bridge demolition: અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું પ્રતિક બની ગયો છે. વર્ષ ૨૦૧૭ માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર ચાર વર્ષથી ઓછા સમયમાં જ બિસ્માર થઈ ગયો હતો અને હવે તેને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફરી એકવાર કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેનાથી 'ખાતર પર દીવેલ' જેવો ઘાટ સર્જાયો છે.
અમદાવાદના સી.ટી.એમ. ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર આ બ્રિજ વર્ષ ૨૦૧૭માં અજય ઇન્ફ્રાકોન નામના કોન્ટ્રાક્ટર દ્વારા આશરે ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. હવે, આ બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પાડવા માટે AMC દ્વારા રૂ. ૯.૩૧ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આટલા મોટા ખર્ચે બનેલા બ્રિજને થોડા જ વર્ષોમાં તોડી પાડવા પાછળ બીજા કરોડોનો ખર્ચ થવો એ જાહેર નાણાંના મોટા પાયે થતા વ્યય અને તંત્રની બેદરકારી દર્શાવે છે.
બ્રિજની બિસ્માર ગાથા અને બંધ થવાનું કારણ:
આ બ્રિજનું બાંધકામ નવેમ્બર-૨૦૧૭માં પુરુ થયું હતું અને નવેમ્બર-૨૦૧૮માં તેનો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ પણ પૂરો થઈ ગયો હતો. વર્ષ ૨૦૧૭માં બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં, ૫ એપ્રિલ, ૨૦૨૧ના રોજ મુખ્ય ઓબલીગેટરી સ્પાનમાં પ્રથમવાર ડેક સ્લેબમાં સેટલમેન્ટ (બેસી જવાની)ની સમસ્યા સર્જાઈ હતી. જેને માઈક્રો કોંક્રીટથી રીપેર કરવામાં આવ્યું હતું.
જોકે, વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં ચાર વખત ઓબલીગેટરી સ્પાનમાં ડેક સેટલમેન્ટ થયું હતું. તેનું સ્થાનિક કન્સલ્ટન્ટની સલાહ મુજબ માઈક્રો કોંક્રીટ અને એડીશનલ સ્ટીલ સાથે રીપેરીંગ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બીજા બોક્સમાં સેટલમેન્ટ થતા સમગ્ર બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યું. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્યારથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે.
નિષ્ણાત રિપોર્ટમાં નબળી ગુણવત્તાનો ખુલાસો:
૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ આઈ.આઈ.ટી. રુડકીના તજજ્ઞો દ્વારા બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. બાદમાં આપવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બ્રિજમાં ઉપયોગમાં લેવાયેલા કોંક્રીટની ગુણવત્તા નબળી હતી.
૧૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ તજજ્ઞ પેનલે આપેલા રિપોર્ટ મુજબ, ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) ના નિયમો ૫ મુજબ બ્રિજનું આયુષ્ય સો વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઈ ગયો છે. પેનલે એ પણ નોંધ્યું કે કોન્ટ્રાક્ટર ટેન્ડર મુજબ એક વર્ષનો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ પૂરો થયો હોવાનું ગણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે ટેક્નિકલ રીતે અયોગ્ય છે.
બ્રિજનો વર્તમાન ઉપયોગ અને અગાઉના ટેન્ડર:
બ્રિજ પર પડેલા ગાબડાં અને જોખમી સ્થિતિના લીધે વાહન વ્યવહાર બંધ કરાયા બાદ હાલ આ બ્રિજનો ઉપયોગ વાહન પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે. બ્રિજ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરો એકત્ર કરવાની લારીઓના ઢગલા પણ કરાયા છે.
આ બ્રિજને તોડી પાડવા અને નવો બનાવવા માટે AMC દ્વારા અગાઉ પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને રાજસ્થાનની એક એજન્સી સાથેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હતી. જોકે, વિવાદોના પગલે AMC એ તે સમગ્ર પ્રક્રિયા રદ્દ કરી હતી. રૂ. ૯.૩૧ કરોડનું આ ટેન્ડર હાટકેશ્વર બ્રિજના ભવિષ્ય માટે AMC દ્વારા બહાર પાડવામાં આવેલું ત્રીજી વખતનું ટેન્ડર છે.
અમદાવાદમાં હાટકેશ્વર પુલ વિવાદનું ઘર બન્યો છે અને ભાજપના ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો અમદાવાદીઓ ભોગ બની રહ્યાં છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ૪૦ કરોડના બ્રિજને તોડવા પાછળ રૂ. ૯.૩૧ કરોડનો ખર્ચ, અમદાવાદીઓને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય - આ બધાની તો કોઇ ગણતરી જ કરતું નથી. આ ઘટના શહેરી આયોજન અને બાંધકામમાં ગુણવત્તા નિયંત્રણ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે.





















