(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Politics: ભાયાણીએ પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજા સાથે દ્રોહ કર્યો, AAP ઘારાસભ્યએ કહ્યું અમે પાર્ટી સાથે
અમદાવાદ: આજે વિસાવદર વિધાનસભા મત ક્ષેત્રના આમ આદમી પાર્ટીમાંથી ચુંટાયેલ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીના ચુંટાયેલ અન્ય ધારાસભ્યો પણ રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ જશે તેવી વાતો વહેતી થઈ છે.
અમદાવાદ: આજે વિસાવદર વિધાનસભા મત ક્ષેત્રના આમ આદમી પાર્ટીમાંથી ચુંટાયેલ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીના ચુંટાયેલ અન્ય ધારાસભ્યો પણ રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ જશે તેવી વાતો વહેતી થઈ છે. આ કડીમાં જામનગર જીલ્લાની જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય હેમંત ખવાએ આજે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી અને પોતે આમ આદમી પાર્ટીમાં છે અને આગામી વર્ષોમાં પણ આમ આદમી પાર્ટીમાં જ રહેશે તેવી વાત કરી હતી. તેવોએ ધારસભ્ય તરીકે રાજીનામું આપનાર ભૂપત ભાયાણી પર પ્રહારો કર્યા હતા.
તમને જણાવી દઈએ કે, હેમંત ખવા જામનગર જીલ્લાની જામજોધપુર લાલપુર બેઠક પરથી આપના ધારાસભ્ય છે. ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ હેમંત ખવાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભાયાણીએ પોતાના અંગત સ્વાર્થ માટે પ્રજા સાથે દ્રોહ કર્યો છે. ભાયાણીએ આપેલ રાજીનામું નિંદનીય છે. અન્ય કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તેવું મને લાગતું નથી. અન્ય ધારાસભ્યો રાજીનામું આપશે તેવી વાત પાયાવિહોણી છે. મારા પર લોકોએ વિશ્વાસ મુક્યો છે તેનો હું દ્રોહના કરી શકું. કોઈની કેરિયરમાં દાગ લગાવવા અફવાઓ ઉડતી રહે છે. હું ક્યારેય આપ છોડીશ નહિ અન્ય પાર્ટીમાં જોડાઇશ નહિ. આમ ધારાસભ્ય હેમંત ખવાએ આપ છોડવાની વાતનો રદિયો આપ્યો હતો.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાતમાં દિલ્હી અને પંજાબ બાદ રાજકીય જમીન શોધી રહેલી આપ પાર્ટીને લોકસભા ચૂંટણી અગાઉ ફટકો પડ્યો હતો. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. રાજીનામા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ તેઓ ભાજપમાં જોડાશે એવી ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે. જોકે આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે 2022માં ચૂંટણી જીત્યા બાદ આપના એક ધારાસભ્યએ દાવો કર્યો હતો કે અમે પાંચ પાંડવો છીએ જે ગુજરાતની જનતા માટે વિધાનસભામાં લડશે પરંતુ આજની ઘટના બાદ આપના પાંચ ‘પાંડવો’માંથી એક અલગ થઇ ગયો છે. હવે ચાર શું કરશે? શું લોકસભા પહેલા ગુજરાતમાં AAP તૂટી રહી છે?
વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચા
લોકસભા ચૂંટણી અગાઉ રાજ્યમાં ભૂપત ભાયાણીના રાજીનામાની સાથે પાર્ટીના તૂટવાની શરૂઆત થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વધુ એક આપ પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે. ભૂપત ભાયાણીના રાજીનામાથી રાજ્યમાં હવે આપના ચાર ધારાસભ્યો રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્રના આપના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તે નક્કી છે. સૌરાષ્ટ્રમાં વિપક્ષી ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાનો પણ સૂત્રો દાવો કરી રહ્યા છે.