Ahmedabad: અમદાવાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા આ સમાચાર વાંચી લેજો, જાણો સુરતની ઘટના બાદ કઈ સુવિધા કરવામાં આવી બંધ
અમદાવાદ: દિવાળી અને છઠ્ઠા પૂજાના કારણે હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરેક મોટા શહેરના રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદ: દિવાળી અને છઠ્ઠા પૂજાના કારણે હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરેક મોટા શહેરના રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના પણ ઘટી છે. ભારે ભીડના કારણે સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત એક મુસાફરનું મોત પણ થયું છે. હવે સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ ઝોન પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવારના સમયમાં મુલાકાતીઓ મુસાફરોને મુકવા રેલવે સ્ટેશનની અંદર નહિ આવી શકે. મુસાફરોને મુકવા આવતા મુલાકાતીઓ માટે પાસ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ રેલવે dysp એ Abp અસ્મિતાને આ અંગે એક્સકલુસીવ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં 5થી 6 હજાર પ્લેટફોર્મ પાસ માત્ર મુલાકાતીઓ માટે વપરાય છે. તહેવાર દરમિયાન મુલાકાતીઓ ટ્રેનના પ્લેટફોર્મ ઉપર નહિ જઈ શકે. દરેક પ્લેટફોર્મ ઉપર પ્રવેશ માટે અને બહાર નીકળવા અલગ અલગ વ્યવસ્થા છે. યુપી અને બિહાર જનાર ટ્રેનમાં મુસાફરોને અગાઉથી લાઈન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને રેલવે પોલીસના 5500 જેટલા કર્મચારીઓ તહેવાર દરમિયાન ખડે પગે રહેશે.
સુરત રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે પેસેજર્સને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે ભીડના કારણે ધસારામાં કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. સુરતમાં રેલવે સ્ટેશનનના અણઘડ વહીવટ અને વ્યવસ્થાનો નમુનો જોવા મળ્યો, અહીં દિવાળીના પર્વના કારણે હજારોની ભીડના કારણે દોડધામ મચી જતાં 4થી વધુ લોકોના શ્વાસ રૂંધાયા હતા. તો એકનું મોત થયું છે. જો કે આ સમયે સુરત રેલવે પોલીસની કામગીરી કાબિલે તારીફ રહી. અહીં મહિલા પોલીસ કર્મી સહિતના પોલીસ સ્ટાફે બેભાન થયેલા લોકોને પાણી છાંટી, માઉથ બ્રિધિંગ આપીને જીવ બચાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, પરિવાર સાથે વતનમાં દિવાળીના પર્વની ઉજવણી માટે લોકો વતન જતાં હોય છે. જેના કારણે સુરત અમદાવાદ સહિતના રેલવે પ્લેટફોર્મ પર લોકોની ભીડ જોવા મળી હતી. જો કે રેલવે પ્રશાસનના અણઘડ વહિવટના કારણે સુરત રેલવે સ્ટેશન પર લોકોની જિંદગી દાવ પર લાગી હતી. એબીપી અસ્મિતા ન્યુઝે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અહીં સંવાદાતાએ પ્રવાસીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમા જીવના જોખમે ચઢવો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
પ્રવાસીઓને પોલીસે CPR આપીને બચાવ્યા હતા
ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં યાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પોલીસના લાખ પ્રયાસ છતા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી. રિઝર્વેશન સિવાય પણ અનેક યાત્રીઓ મુસાફરી કરતા હોવાથી ધસારો થયો હોવાનો અનુમાન સેવાઇ રહ્યો છે, રિઝર્વ કોચમાં પણ રેગ્યુલર ટિકિટ પર મુસાફરી થઇ રહી હોવાની અહેવાલ પણ મળ્યાં છે. તાપ્તી ગંગા ટ્રેન ઉપડે તે પહેલા સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી. આ સમય દરમિયાન બેભાન થયેલા પ્રવાસીઓને પોલીસને CPR આપીને બચાવ્યા હતા. એક સાથે સુરત પ્લેટફોર્મ પર ચારથી પાંચ હજાર યાત્રીઓનો ધસારો થયો હતો.