Passport: પાસપોર્ટધારકો મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે, રાજ્યના 25 ટકા પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં
Passport: લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જારી કરવામાં આવ્યા છે.
Ahmedabad: કોરોનાકાળ ગુજરાતમાંથી મોટા પાયે લોકો વિદેશ જઈ રહ્યા છે. વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વનો પુરાવો છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં પોસપોર્ટધારકોની સંખ્યા 67.61 લાખ થઇ ગઇ છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેમાં કેરળ મોખરે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ 16.15 લાખ પાસપોર્ટધારકો અમદાવાદમાં જ્યારે સૌથી ઓછા 1452 પાસપોર્ટધારકો ડાંગમાં છે. આમ, ગુજરાતના ચોથા ભાગના પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં છે.
ગુજરાતની અંદાજીત વસતી 7 કરોડ છે. આમ, 91 ટકા ગુજરાતીઓ પાસે પાસપોર્ટ જ નથી. સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેવા જિલ્લામાં સુરત 10.97 લાખ સાથે બીજા, વડોદરા 6.89 લાખ સાથે ત્રીજા, રાજકોટ 3.87 લાખ સાથે ચોથા અને મહેસાણા 2.72 લાખ સાથે પાંચમાં સ્થાને છે. રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદમાં 2281, રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરતમાં 605 અરજીઓ પડતર છે. અમદાવાદમાં પોલીસ પાસે 14333 અને સુરતમાં 4188 અરજી પોલીસમાં પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં 30 જૂન 2022 સુધી પાસપોર્ટધારકો 56,42,905 હતા. આમ, 6 મહિનામાં જ 11 લાખથી વધુ લોકોને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
કયા રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટધારકો?
રાજ્ય પાસપોર્ટધારકો
- કેરળ 1.12 કરોડ
- મહારાષ્ટ્ર 1.04 કરોડ
- તામિલનાડુ 97.14 લાખ
- ઉત્તર પ્રદેશ 87.93 લાખ
- પંજાબ 77.87 લાખ
- ગુજરાત 67.61 લાખ
ગુજરાતના કયા જિલ્લામાંથી સૌથી વધુ પાસપોર્ટધારકો?
જિલ્લો પાસપોર્ટધારકો
- અમદાવાદ 16.15લાખ
- સુરત 10.97 લાખ
- વડોદરા 6.89 લાખ
- રાજકોટ 3.87 લાખ
- આણંદ 2.88 લાખ
- મહેસાણા 2.72 લાખ
- ગાંધીનગર 2.58 લાખ
- કચ્છ 2.15 લાખ
- નવસારી 1.77 લાખ
- ખેડા 1.65 લાખ
- ભાવનગર 1.34 લાખ
- જુનાગઢ 1.09 લાખ
- બનાસકાંઠા 1.06 લાખ
- સાબરકાંઠા 90,925
- પંચમહાલ 85,831
- રાજ્યમાં કુલ 67,61,930
50 ટકા પાસપોર્ટ આ રાજ્યોમાં કરાયા જારી
લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જારી કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ 521 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. ભારતમાં 2014માં પાસપોર્ટ મળવા માટેનો સમયગાળો 16 દિવસ હતો. છેલ્લા 3 વર્ષમાં પાસપોર્ટ મેળવવાનો સમયગાળો ઘટીને સરેરાશ 6 દિવસ થઇ ગયો છે. ભારતે છેલ્લા 8 વર્ષમાં કુલ 3.49 કરોડ વિઝા આપ્યા છે. જેમાં 2.48 કરોડ સામાન્ય વિઝા અને 1.1 કરોડ ઈ વિઝાનો સમાવેશ થાય છે. ઈ વિઝા માટે માન્યતા ધરાવતા દેશ 2014 સુધી 43 હતા અને તે હવે વધીને 171 થઇ ગયા છે.