Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી,4 સિસ્ટમ થઈ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

Gujarat Rain: ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અતિ ભારે વરસાદની આગાહી?
- આજે નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.
- આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જારી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજના દિવસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે LCS-3 (લોકલ કોશનરી સિગ્નલ) લગાવવામાં આવ્યું છે, જેથી માછીમારો અને સ્થાનિક લોકોને સાવધ કરી શકાય.
વરસાદ માટે જવાબદાર સિસ્ટમ્સ
હાલમાં ગુજરાતના વાતાવરણમાં ચાર વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે. દેશના પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે છ જિલ્લામાં ઓરેન્જ તો 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના નર્મદા અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું હતું. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.





















