Junagadh News: જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગર્દી, વીડિયો વાયરલ થતા વાલીઓમાં આક્રોશ
Junagadh News: જૂનાગઢના મધુરમમાં આવેલ આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગર્દીની ઘટના બની હતી

Junagadh News: જૂનાગઢના મધુરમમાં આવેલ આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ગુંડાગર્દીની ઘટના બની હતી. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ ઢોર માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. હોસ્ટેલના વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી ધોરણ 11ના વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. આ જોઈને અન્ય બે વિદ્યાર્થીઓએ પણ વિદ્યાર્થીને લાતો અને થપ્પડ મારવાનું શરૂ કરી દે છે. ઘટના બાદ અન્ય કારણ આપીને પીડિત વિદ્યાર્થી વાલી સાથે હોસ્ટેલમાંથી ઘરે જતો રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પીડિત વિદ્યાર્થી અને અન્ય વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એક મહિના અગાઉ બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે હોસ્ટેલમાં બનેલી આ ગુંડાગર્દીની આખીય ઘટનાને સ્કૂલ પ્રશાસને દબાવી રાખી હતી. સવાલ એ પણ ઉભો થાય છે કે શું સ્કૂલ સંચાલકો માર મારનાર વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી ન હતી.
જૂનાગઢના મધુરમમાં આવેલ આલ્ફા સ્કૂલની હોસ્ટેલની ઘટનાથી પરિવારમાં ભારે આક્રોશ છે. વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે હોસ્ટેલના સંચાલકે વાત છૂપાવી હતી. ટેન્શનમાં વિદ્યાર્થીએ વાતની જાણ ઘરે કરી નહોતી. હોસ્ટેલ સંચાલક વાલીનો ફોન પણ ઉપાડતા નહોતા અને બે કલાક સુધી હોસ્ટેલમાં રાહ જોઈ પરંતુ કોઈ આવ્યું નહોંતુ. વિદ્યાર્થીના મામાએ કહ્યું કે સ્કૂલ બંધ થવી જોઈએ અને સ્કૂલ બંધ થશે તો જ સંચાલકોને ભાન આવશે. વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ તેવી પણ તેમણે વાત કરી હતી. વિદ્યાર્થી પર અત્યાચાર આચરનારા વિદ્યાર્થીની પૂછપરછ થઈ શકે છે. જુવેનાઈલ એક્ટ મુજબ વિદ્યાર્થીઓના નિવેદનો લેવાશે. માર મારનારા પાંચેય વિદ્યાર્થીની બાળ સુરક્ષા અધિકારી પૂછપરછ કરી શકે છે. હોસ્ટેલ સંચાલકો સામે પણ કાર્યવાહી થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.





















