અમદાવાદ-વડોદરા અને ભાવનગરમાં ગમે ત્યારે થઈ શકે છે નવા મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત, કોણ કોણ રેસમાં?
અમદાવાદમાં મેયરપદના સંભવિત ઉમેદવાર વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળા, ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમાર અને જોધપુર વોર્ડના કાઉન્સિલર અરવિંદ પરમાર છે.
અમદાવાદ-વડોદરા અને ભાવનગરમાં ગમે ત્યારે થઈ શકે છે નવા મેયરના નામની જાહેરાત?
અમદાવાદઃ ગત 6 મહાનગર પાલિકાઓમાં ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. હવે આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં નવા મેયરના નામની જાહેરાત થવાની છે. અમદાવાદના 41માં મેયરની આજે વરણી થશે. સવારે 9 કલાકે ભાજપના 160 કાઉન્સિલરોની જનપ્રતિનિધિ બેઠક મળશે.
અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, પ્રદેશ સંગઠનના નેતાઓ અને નવનિયુક્ત કાઉન્સિલરો જનપ્રતિનિધિ બેઠકમાં જોડાશે. બેઠકમાં જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત થશે. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ નિમણૂક થશે. AMTS કમિટી ચેરમેન અને કમિટીના સભ્યોની પણ બેઠકમાં જાહેરાત કરાશે. જનપ્રતિનિધિ બેઠક બાદ કોર્પોરેશનના અધિકારીઓ અને નવનિયુક્ત કાઉન્સિલરોની બેઠક મળશે.
મેયરપદના સંભવિત ઉમેદવાર વાસણા વોર્ડના કાઉન્સિલર હિમાંશુ વાળા, ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમાર અને જોધપુર વોર્ડના કાઉન્સિલર અરવિંદ પરમાર છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદના સંભવિત ઉમેદવાર પાલડી વોર્ડના કાઉન્સિલર જૈનીક વકીલ અને પ્રિતિષ મહેતા,ખોખરા વોર્ડના કાઉન્સિલર કમલેશ પટેલ અને થલતેજ વોર્ડના કાઉન્સિલર હિતેશ બારોટનું નામ છે.
વડોદરાને પણ આજે નવા મેયર મળશે. શહેર ભાજપ કાર્યલય પર હોદ્દેદારોની બેઠક મળશે. ૭૬ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. ૭૬ પૈકિ ૬૯ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ૭ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ૧૦ વાગે ભાજપ શહેર કાર્યલય પરથી મેયરની વરણી કરાશે. સાથે પક્ષ નેતા, સ્ટેન્ડિંગ કિમીટી ચેરમેનની પણ વરણી કરશે.
ભાવનગરમાં પણ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની વરણી થશે. નવા મેયરની સાધારણ સભામાં વરણી થશે. મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર ચૂંટાયા છે, 21માં મેયરની વરણી થશે. મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં છે. જ્યારે ચેરમેન પદ માટે રાજુ પંડ્યા, રાજુ રાબડીયા, પરેશ પંડ્યા, કુમાર શાહ અને ધીરુ ધામેલીયા સહિતના નામો ચર્ચામાં છે.