રેલવેમાં અપડાઉન કરતાં નોકરિયાતો માટે સારા સમાચાર, પાસ હોલ્ડર્સ મેમુ-ડેમુમાં કરી શકશે મુસાફરી
રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી આગામી 15 સપ્ટેમ્બરથી સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આપી છે. આ નિર્ણયથી હજારો પાસધારકોને ફાયદો થશે.
અમદાવાદઃ રેલવેમાં અપ-ડાઉન કરતાં નોકરિયાતો માટે સારા સમાચાર છે. કોરોનાકાળથી પાસધારકો માટે પેસેન્જર ટ્રેનમાં પાસના આધારે મુસાફરી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી આગામી 15 સપ્ટેમ્બરથી સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આપી છે. આ નિર્ણયથી હજારો પાસધારકોને ફાયદો થશે.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની પહેલી લહેરથી ટ્રેનોના આવાગમન પર રોક લગાવી દેવાઇ હતી. ત્યારબાદ તબક્કાવાર અંશત: પ્રમાણમાં ટ્રેનો દોડાવવાની મંજૂરી અપાઇ હતી પરંતુ સિઝન ટિકિટ ધારકો પાસના આધારે મુસાફરી કરી શકતા નહતા. તેમને પણ મુસાફરી માટે રિઝર્વ ટિકિટ પર મુસાફરી કરવી પડતી હતી, જે ખૂબ મોંઘી પડતી હતી. અમદાવાદથી વડોદરા અપડાઉન કરતા લોકોને રોજનો 200 રૂપિયાનો ખર્ચ થતો હતો પરંતુ હવે માત્ર 450 રૂપિયાના પાસમાં એક મહિનાની સફર કરી શકશે. ઓછા પગારવાળાએ અપડાઉનમાં ટ્રાવેલિંગમાં થતાં ખર્ચના લીધે નોકરી પણ છોડી દીધી હતી. પરંતુ હવે આ સમસ્યા પણ ઉકેલાઈ જશે.
વડોદરા-સુરત મેમુમાં કેટલો થશે માસિક ખર્ચ
વડોદરાથી સુરત સુધી અપડાઉન કરતાં લોકોને પાસ બંધ થયા બાદ રોજના 200 રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ થતો હતો પરંતુ હવે 400 રૂપિયાના પાસમાં મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા જે મેમુ-ડેમુમાં પાસ હોલ્ડર્સને મંજૂરી આપવામાં આવી છે તેમાં વડોદરા-અમદાવાદ (મેમુ), સુરત-વડોદરા (મેમુ), ભરૂચ-સુરત (મેમુ), વડોદરા-સુરત (મેમુ), વડોદરા-અમદાવાદ (પેસેન્જર), વડોદરા-દાહોદ (મેમુ), આણંદ-ખંભાત (ડેમુ), ખંભાત-આણંદ (ડેમુ), ભરૂચ-સુરત(મેમુ) બંને તરફના ફેરા મળી 16 ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. જોકે આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
15 સપ્ટેમ્બરથી મેમુ-ડેમુમાં મુસાફરી કરવાની આપેલી છૂટથી પાસધારકો ખુશ થઈ ગયા છે અને એક્સપ્રેસ ટ્રેનમાં પણ મુસાફરીની છુટ આપવામાં આવે તેવી માંગ કરી છે.