Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા
મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે જાહેર થયેલા નવા આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં નવા 335 અને જિલ્લામાં નવા નવ પોઝિટીવ કેસ નોંધાયા છે.
અમદાવાદઃ કોરોનાકાળમાં હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલ અમદાવાદમાં ફરીથી કોરોનાનો આતંક ફેલાયો છે. તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે જાહેર થયેલા નવા આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં નવા 335 અને જિલ્લામાં નવા નવ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક બે હજાર 329 પર પહોંચી ગયો છે.
પાંચ મહિના બાદ એટલે કે 10 નવેમ્બર બાદ પ્રથમવાર અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. તો આજથી નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલંસ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધર અને સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે.
એક તરફ શહેરમાં કોરોનાનો દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે મોલમાં એકઠી થયેલી આ ભીડના કારણે કોરોના વિસ્ફોટ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકો એક એક મહિનાની ખરીદી એકસાથે કરી હતી. જેની અંદર કરિયાણુ અને જીવન જરુરિયાતની વસ્તુઓ સામેલ છે. જો કે અમદાવાદ મહાનગપાલિકા દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે ખોટા સમાચારો પર વિશ્વાસ ના કરો. લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી. માત્ર મોલ અને મલ્ટીપ્લેક્સ શનિવાર અને રવિવારે બંધ રહેશે.
જો કે એએમસી ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે પરંતુ લોકોના મનમાં ડર તો છે જ. જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. ગયા વખતે લોકડાઉનમાં જે રીતે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.
શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે. હાલ 6147 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
