PM મોદીના US પ્રવાસ પહેલા અમેરિકન NSA આવશે ભારત, સંરક્ષણ સોદા પર થશે ચર્ચા
US NSA India Visit:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને અમેરિકા જવા રવાના થઈ રહ્યા છે. જ્યાં 22 જૂને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરશે. તે પહેલા અમેરિકન NSA ભારત આવશે.
US NSA India Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે યુએસ પ્રવાસ પર હશે, જ્યાં તેઓ ઘણાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારત આવી રહ્યા છે. અમેરિકન NSA જેક સુલિવાન 13 જૂને દિલ્હી પહોંચશે, જ્યાં ભારત સાથે GE-414 એન્જિન ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. અહીં સુલિવાન તેમના સમકક્ષ એટલે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળશે. પીએમ મોદીની મુલાકાત પહેલા યોજાનારી આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
NSA પીએમ મોદી સાથે કરશે મુલાકાત
અમેરિકન NSA જેક સુલિવને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાના અમેરિકાના એજન્ડાને આગળ ધપાવ્યો છે. ભારત પ્રત્યે તેમનું વલણ હંમેશા નરમ રહ્યું છે. તેમની મુલાકાત દરમિયાન NSA અજીત ડોભાલ સિવાય સુલિવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. અમેરિકન NSA સાથેની બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને અમેરિકા જશે. જ્યાં 22 જૂને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ ટેક્નોલોજી શેરિંગ પર પણ ચર્ચા કરવામાં આવશે.
જાન્યુઆરીમાં ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી
અગાઉ જાન્યુઆરી 2023માં જ્યારે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અમેરિકા ગયા હતા, ત્યારે તેમણે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સહયોગ અંગે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન ડોભાલે તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાન સાથે ઇનિશિએટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET)ની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. NSA અજીત ડોભાલ ભારતીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા પહોંચ્યા હતા. ICETની આ બેઠકમાં બંને દેશોએ ક્વોન્ટમ ટેક્નોલોજી, હાઈ પરફોર્મિંગ કમ્પ્યુટિંગ, જેટ એન્જિન ટેક્નોલોજી, યુદ્ધ અને સહયોગ સંબંધિત તમામ ટેક્નોલોજી માટે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી.
જાન્યુઆરી પછી બંને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ગયા મહિને એટલે કે મે મહિનામાં પણ મળ્યા હતા. આ દરમિયાન UAEના NSA શેખ તહનુન બિન જાયદ અલ નાહયાન પણ હાજર હતા. મીટીંગનો હેતુ એક મેગા પ્રોજેક્ટ અંગે હતો. આ પ્રોજેક્ટમાં સમુદ્ર દ્વારા મધ્ય પૂર્વને દક્ષિણ એશિયા સાથે જોડવાની યોજના સામેલ હતી.
જેટ એન્જિન ટેકનોલોજી પર કામ
હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર GE-414 જેટ એન્જિનના નિર્માણને લઈને અમેરિકન NSA સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે. આ દરમિયાન આ એન્જિનના ઉત્પાદનની સમગ્ર તકનીકને શેર કરવા પર કામ કરી શકાય છે. આ જેટ એન્જિનને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સહયોગથી બનાવવામાં આવશે. ભારતમાં બનેલા તેજસ માર્ક-2 ફાઈટર જેટને GE-414 એન્જિનથી જબરદસ્ત પાવર મળશે. જે ભારતીય વાયુસેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુલિવાન અને ડોભાલ વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધી રહેલા પડકાર પર પણ ચર્ચા થઈ શકે છે.