Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતા છે.

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
કાતિલ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ બે દિવસ ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધી શકે છે. આજે 22 જાન્યુઆરી નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી
આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. ખાસ કરીને 22 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેને પગલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ (Unseasonal Rain) અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે.
તાપમાનના આંકડા અને સ્વાસ્થ્ય ચેતવણી
હાલના તાપમાનની વાત કરીએ તો આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. ઠંડી, ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની શક્યતા છે, તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
નલિયામાં કાતિલ ઠંડી
બીજી તરફ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. કચ્છનું નલિયા આજે 10.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધ્યો છે.





















