સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી
જાતે જ કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનના તમાશાની પોલ ખૂલી છે.
Anand News: આણંદમાં એસટી પ્રશાસને સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરાયાનો પર્દાફાશ થયો છે. શુભયાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માત્ર નાટક જ કરાયાનું સામે આવ્યું છે. સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં એસટી પ્રશાસનનાં અધિકારીઓએ જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું. જાતે જ કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનના તમાશાની પોલ ખૂલી છે. આ અંગે સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલનો સંપર્ક કરતા સમગ્ર ઘટના અંગે અજાણતા દર્શાવી હતી.
સ્વચ્છ યાત્રાને સફળ બનાવવા આણંદ STનું નાટક, પહેલા જાતે કચરો નાંખ્યો પછી સાંસદ, MLA પાસે સફાઈ કરાવી pic.twitter.com/J30oDAsDoz
— ABP Asmita (@abpasmitatv) December 6, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ ડસ્ટબીનમાંથી કચરો એસટી ડેપોમાં ચારેય બાજુ નાંખી રહ્યો છે. ત્યાર બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો દ્વારા આણંદ એસ.ટી. બસ મથકમાં ફોટા પડાવ્યા બાદ એસ.ટી.બસ મથકમાં નાંખવામાં આવેલ કચરાની સાફ સફાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ભારે ચર્ચાસ્પદ બની છે.
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત અમરેલી ખાતે નવા બની રહેલ એસ.ટી ડેપો સહિતના એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.