Anand: NDDB મૃદા લિ.એ સિસ્ટેમા બાયો સાથે કરાર કર્યો અને ‘ગોબર સે સમૃદ્ધિ’ કાર્યક્રમનું અનાવરણ કર્યું
આણંદઃ એનડીડીબી મૃદા લિ.એ નાના પશુપાલકો સાથે ભેગા મળીને કામ કરવા, વેસ્ટ ટુ એનર્જીમાં સ્થાયી ઉકેલો પૂરાં પાડવા તથા પશુપાલકો માટે વધારાની આવકનું સર્જન કરવાના નવા માર્ગો ખોલવા સિસ્ટેમા.બાયો સાથે કરાર કર્યો.
આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એનડીડીબી મૃદા લિ.એ નાના પશુપાલકો સાથે ભેગા મળીને કામ કરવા, વેસ્ટ ટુ એનર્જીમાં સ્થાયી ઉકેલો પૂરાં પાડવા તથા પશુપાલકો માટે વધારાની આવકનું સર્જન કરવાના નવા માર્ગો ખોલવા ભારતની અગ્રણી બાયોગેસ કંપની સિસ્ટેમા.બાયો સાથે એક કરાર કર્યો છે. NDDB અને NDDB મૃદા લિમિટેડના ચેરમેન મીનેશ શાહ અને સિસ્ટેમા.બાયો ઈન્ડિયાના એમડી પિયુષ સોહાનીએ આ ખાસ પ્રસંગે હાજરી આપી હતી.
ભારતમાં નાના અને મધ્યમ સ્તરના પશુપાલકો માટે આધુનિક ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા, ખાતરના મેનેજમેન્ટ અને બાયોસ્લરીના ઉપયોગ અંગેના જ્ઞાનનો પ્રસાર કરવા તેમજ ડેરી સહકારી મંડળીઓ, ડેરી ફેડરેશનો, દૂધ ઉત્પાદક કંપનીઓ, પશુપાલકોની માલિકીની અન્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંગઠનોની સાથે એનડીડીબી મૃદા લિમિટેડ અને સિસ્ટેમા.બાયો ભેગા મળીને કામ કરશે.
આ સહયોગી પ્રયાસ બાયોગેસ પ્લાન્ટના ઉપયોગને પ્રોત્સાહન આપશે તથા એક એવી મૂલ્ય શ્રૃંખલાનું નિર્માણ કરશે, જે પશુપાલકોની આજીવિકાને સુધારશે અને તેની સાથે-સાથે સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપશે તથા ગ્રીન એનર્જીને પણ પ્રોત્સાહિત કરશે. ઝકરિયાપુરા ખાતે ખાતર વ્યવસ્થાપન મોડલ વિકસાવતી વખતે એનડીડીબી અને સિસ્ટેમા. બાયોટેકે સાથે મળી કામ કર્યું હતું. જે હવે ગુજરાતની ગોબરધન યોજનાનો ભાગ છે.
આ ભાગીદારીનો પ્રાથમિક ઉદ્દેશ્ય બાયોગેસ પ્લાન્ટના ઉપયોગ દ્વારા પશુપાલકો અને ખાસ કરીને નાના સ્તરના મહિલા પશુપાલકોનું સામાજિક અને આર્થિક રીતે જીવનધોરણ સુધારવાનો છે. સિસ્ટેમા.બાયો કાર્બન ફાઇનાન્સિંગ મારફતે એનડીડીબીના નેટવર્કમાં રહેલા પશુપાલકોને પરવડે તેવા આધુનિક ફ્લેક્સી બાયોગેસ પ્લાન્ટ્સ પૂરાં પાડશે.
આ વર્ષે 25,000થી વધારે પશુપાલકોને બાયોગેસ પ્લાન્ટ પૂરાં પાડવામાં આવશે અને આગામી 2-3 વર્ષમાં 3,00,000 પશુપાલકો સુધી પહોંચવાની યોજના છે. એનડીડીબી મૃદા લિ. એન્ટરપ્રાઇઝ મૉડમાં કૃષિ માટેના સ્લરી-આધારિત ઉત્પાદનોના વેચાણ મારફતે પ્રત્યક્ષ રીતે અથવા તો જૈવિક ખાતર તરીકે ઉત્પાદિત થયેલી બાયો-સ્લરીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપે છે.
આ સહભાગીદારી બંને સંસ્થાની ક્ષમતાઓ અને ફૉકસનો ઉત્તમ તાલમેલ છે. આ પહેલ જૈવિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં સફળતાપૂર્વક મદદરૂપ થશે, જે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા તરફ તેમજ ગામડાંઓમાં ઘરેલું સ્તરે રાંધવા માટેની સ્વચ્છ ઊર્જાનું સમર્થન કરવા તરફ દોરી જશે. હાલમાં 40,000 પશુપાલકો કચરાંનો સદુપયોગ કરવા માટે સિસ્ટેમા.બાયો દ્વારા વિકસાવવામાં આવેલા બાયોડાઇજેસ્ટરોનો ઉપયોગ કરે છે.
એનડીડીબી મૃદા લિ. વિશે જાણીએ
એનડીડીબી મૃદા લિ. એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, જેની સ્થાપના વર્ષ 2022માં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કાર્યાલય આણંદમાં આવેલું છે. આ કંપની પશુઓના ખાતરમાંથી ખેડૂતોની આવકને વધારવાના ઉદ્દેશ્યની સાથે કામ કરી રહી છે. તે દેશના પશુપાલકો માટે ખાતરનું મેનેજમેન્ટ કરવાના કાર્યક્ષમ મોડલનો પ્રચાર-પ્રસાર કરે છે. તે ઘરેલુંથી માંડીને ઔદ્યોગિક સ્તરના બાયોગેસ પ્લાન્ટ સોલ્યુશનો પૂરાં પાડે છે અને સ્લરી/ડાઇજેસ્ટેડ મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. એનડીડીબી મૃદા લિ.એ એકથી વધુ સ્લરી આધારિત જૈવિક ખાતરો વિકસાવ્યાં છે અને સમગ્ર દેશમાં સુધન બ્રાન્ડ હેઠળ તેનું વેચાણ કરે છે.