Bhavnagar News: ભાવનગરમાં બુટલેગરો બેફામ, ભાજપની જ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની આપી ધમકી
સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના શાસનમાં હવે ભાજપના જ નગરસેવિકા સુરક્ષિત નથી તો પછી સામાન્ય લોકોની પરિસ્થિતિ શું થતી હશે તે સમજી શકાય છે.
Bhavnagar News: ભાવનગર શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી છે. ભાજપના મહિલા કોર્પોરેટરનાં ઘર પર આવીને બુટલેગરો નગરસેવિકા અને તેના પતિને ધમકાવતો હોય તેનો વિડીયો પણ સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા વડવા-બ વોર્ડનાં ભાજપના નગર સેવિકા સેજલબેન ગોહિલે બોરતળાવ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. સાથે જ મહિલા નગર સેવક દ્વારા ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. જે પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે બુટલેગરો ઘર પર પથ્થરમારો કરે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ભાજપના શાસનમાં હવે ભાજપના જ નગરસેવિકા સુરક્ષિત નથી તો પછી સામાન્ય લોકોની પરિસ્થિતિ શું થતી હશે તે સમજી શકાય છે.
ભાવનગરમાં વ્યાજખોરોને ત્રાસ
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ભાવનગરમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વ્યાજખોરોએ એક લેણદારને પોતાના સંકજામાં ફસાવીને વતન છોડવા પર મજબૂર કરી દીધો હતો. ખાસ વાત છે કે, વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો કે ઉછીના નાણા પરત ના આપતા લેણદાર પાસે તેમને ઘર પણ બળજબરી પૂર્વક લખાવી લીધુ હતુ. હાલમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધી છે, અને તપાસ ચાલુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર વ્યાજખોરોનો ત્રાસ વધવાની ઘટનાઓ ફરી એકવાર સામે આવી રહી છે, આજે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોના વિષચક્રમાં એક વ્યક્તિ ફસાયો હોવાનું સામે આવ્યુ છે, આ વ્યક્તિને હવે વતન પણ છોડવું પડ્યુ છે. આ ઘટના જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામની છે. સણોસરા ગામમાં એક ખેડૂત કે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે, તેને હાલમાં જ 11 વ્યાજખોરો સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં ઘટના એવી છે કે, સણોસરા ગામના પશુપાલક વિક્રમભાઈ રાઠોડ નામના વ્યક્તિએ 2019માં પશુઓના નિરણ માટે વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ચૂકવણી બાબતે વ્યાજખોરો સતત ઉઘરાણી કરી રહ્યાં હતા. જે રૂપિયા લીધા હતા, તેનું વ્યાજખોરો દ્વારા ઊંચા વ્યાજ દરે અને વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. માથાભારે વ્યાજખોરોએ વિક્રમભાઇને ઘાક અને ધમકીઓ પણ આપી હતી. રૂપિયાની ચૂકવણી બાબતે વિક્રમભાઇએ આરોપ લગાવ્યો છે કે, આ વ્યાજખોરોએ તેમની પાસેથી તેમના મકાનનું બળજબરીથી બાનાખત પણ કરાવી લીધુ છે, એટલુ જ નહીં થોડાક દિવસો પહેલા વ્યાજખોરો દ્વારા તેમને ઢોર માર મારવામાં પણ આવ્યો હતો. વ્યાજખોરો તેમને અસહ્ય ત્રાસ આપતા તેઓને હવે પરિવાર સાથે પોતાનું વતન છોડીને અન્ય સ્થળે પલાયન થવું પડ્યું છે. આમ સિહોર તાલુકામાં વ્યાજખોરો વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ રહી છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ વ્યાજખોરો બિન્દાસ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને સામાન્ય માણસોને ધમકાવીને હેરાન પરેશાન કરી રહ્યાં છે.