(Source: ECI/ABP News/ABP Majha)
Bhavnagar: હવે તો હદ થઈ! ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધને અડફેટે લીધા
ભાવનગર: શહેરમાં હવે તો હદ થઈ ગઈ છે. ફરી એક વખત રખડતા ઢોરે એક વૃદ્ધને હડફેટે લેતા ઈજાઓ પહોંચાડી છે. જોકે સદનસીબે સ્થાનિક દ્વારા બચાવી લેતા આ વડિલનો જીવ બચી ગયો છે.
ભાવનગર: શહેરમાં હવે તો હદ થઈ ગઈ છે. ફરી એક વખત રખડતા ઢોરે એક વૃદ્ધને હડફેટે લેતા ઈજાઓ પહોંચાડી છે. જોકે સદનસીબે સ્થાનિક દ્વારા બચાવી લેતા આ વડિલનો જીવ બચી ગયો છે. પરંતુ જે પ્રમાણે મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે તેના પર ફરી એક વખત અનેક સવાલો ઊભા થઈ છે. દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ રોડ અને શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા એની એ જ જોવા મળી રહી છે. વારંવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તેની માટે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે.
સૌથી વધુ જનતા પાસે ટેક્સ ઉધરાવતી ભાવનગર મહાનગરપાલિકા લોકોની સુરક્ષા અને સલામતી આપવામાં શા માટે બેદરકારી દાખવે છે તેવું સૌ કોઈ પૂછી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં આવતા વિસ્તારમાં રખડતા ઢોરે એટલી હદે માઝા મૂકી છે કે હવે તો વિસ્તારની બહાર નીકળવું પણ સુરક્ષિત લાગી રહ્યું નથી. ફરી એક વખત રખડતા ઢોરને અડફેટે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ મિસ્ત્રી નામના વૃદ્ધ ભોગ બન્યા છે. પોતાના ઘરની બહાર જ જઈ રહ્યા હતા એ દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા આ આધેડ વૃદ્ધને શરીરમાં મૂંઢમાર ઈજાઓ પહોંચી છે. જોકે બોરતળાવ વિસ્તારમાં આજકાલથી નહીં પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી રખડતા ઢોરે લોકો માટે આ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી છે.
ભાવનગર મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગના અધિકારી ખુદ સ્વીકારી રહ્યા છે કે શહેરમાં હજી પણ 1500 થી 2000 રખડતા ઢોર ફરી રહ્યા છે. માટે હજી સુધી સુરક્ષાની કોઈ જ ગેરંટી લોકો માટે નથી. મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ બે ઢોર ડબ્બા આવેલા છે અને ત્રીજો ઢોર ડબ્બો શહેરના ચિત્રા વિસ્તારમાં બની રહ્યા છે. એક ઢોર ડબામાં નિભાવ ખર્ચ સહિત મહાનગરપાલિકાનું પશુ નિયંત્રણ વિભાગ 40 લાખથી વધુનો ખર્ચ કરી રહી છે. સાથે જ લાખો રૂપિયાના ખર્ચે અન્ય પણ નવો ઢોર ડબ્બો તૈયાર કરી રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે પ્રજાના પૈસાનો લાખો રૂપિયાનો ખર્ચ કરવા થતાં પણ લોકોની સુરક્ષા અને સલામતી રખડતા ઢોરને લઇ મહાનગરપાલિકા શા માટે આપી રહી નથી. રખડતા ઢોરના કારણે શહેર અને જિલ્લામાં અનેક નિર્દોષ લોકોએ ભૂતકાળમાં જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક નિર્દોષ લોકોએ ગંભીર ઈજા ભોગવી પડી છે.
જોકે જે જગ્યાએ રખડતા ઢોરે કાંતિભાઈ મિસ્ત્રી નામના આધેડને અડફેટે લીધા છે તેનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આ વૃદ્ધને અડફેટે લીધા બાદ સ્થાનિક લોકોને માલુમ પડતા દોડી આવ્યા હતા અને આ વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો. મહાનગરપાલિકાની ઢોર પકડવાની લોલંલોલ કામગીરીને લઈ વારંવાર ચર્ચામાં આવતું હોય છે. જોકે નવા આવેલા કમિશનર દ્વારા આ પેચીદા પ્રશ્નનું નિરાકરણ લાવવા કડક કાર્યવાહી કરી છે તેમાં કોઈ સવાલ હોઈ શકે નહીં પરંતુ કમિશનર ખુદ રસ દાખવે અને આદેશ આપે બાદ ચારથી પાંચ દિવસ ઢોર પકડવાની કામગીરી થાય ત્યારબાદ ફરી પરિસ્થિતિ એની એ જ આવીને ઊભી રહી જાય છે. જો આ જ સ્થિતિ ભાવનગરની રહી તો આવનારા દિવસોમાં હજી પણ કેટલાક નિર્દોષ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવશે તે કહેવું મુશ્કેલ છે.