મેડિકલ કોલેજ કે ગુનાખોરીનો અડ્ડો? ભાવનગરમાં રેગિંગના નામે સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયરોને રડાવ્યા! ચાર સસ્પેન્ડ
કોલેજ દ્વારા સર્ટિફિકેટ રોકવાનો નિર્ણય, પોલીસ ફરિયાદ દાખલ, NSUIનો હોબાળો.

Bhavnagar Medical College ragging case: ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ રેગિંગના ગંભીર આરોપોથી ઘેરાઈ છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરી તેમને માર મારવા અને અશ્લીલ શબ્દો બોલાવવા દબાણ કરવા જેવી ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. કોલેજ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરી ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે અને તેમને ઈન્ટર્નશીપ પૂર્ણતા પ્રમાણપત્ર અને અન્ય કોલેજના પ્રમાણપત્રો ન આપવાનો નિર્ણય લીધો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. 11 સભ્યોની આ કમિટીએ નરેશ ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતર નામના ચાર સિનિયર વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ કોલેજના ડીને આ ઘટનાને ભાવનગર મેડિકલ કોલેજ માટે શરમજનક ગણાવી છે.
પીડિત વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે છ જેટલા શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું અને એકાંત સ્થળે લઈ જઈને તેમની સાથે રેગિંગ આચર્યું હતું. આરોપીઓએ પીડિતોને ન બોલી શકાય તેવા અપશબ્દો બોલવા માટે દબાણ કર્યું હતું અને ઇનકાર કરવા પર બેહોશ થાય ત્યાં સુધી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રેગિંગ પદવીદાન સમારોહના આયોજનમાં દાઝ રાખવા અને સોશિયલ મીડિયા પર બનાવેલા પેજમાં થયેલી નિર્દોષ મજાકને કારણે મનદુઃખ રાખીને કરવામાં આવ્યું હતું. પીડિત વિદ્યાર્થીઓએ ડૉ. મિલન કાકલોતર, ડૉ. નરેશ ચૌધરી, ડૉ. મન પટેલ, ડૉ. પિયુષ ચૌહાણ, ડૉ. બલભદ્રસિંહ ગોહિલ અને અન્ય બે અજાણ્યા શખ્સો પર રેગિંગનો આરોપ મૂક્યો છે.
આ ઘટનાના પગલે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) પણ મેદાનમાં આવ્યું છે. NSUI કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે મેડિકલ કેમ્પસમાં પહોંચ્યા હતા અને ડીનની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIએ લેખિતમાં રજૂઆત કરીને માગણી કરી છે કે આરોપીઓ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે અને તેઓની ડિગ્રી રદ કરવામાં આવે. NSUIના કાર્યકર્તાઓ એન્ટી રેગિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી ત્યારે સૂત્રોચ્ચાર કરતા ડીનની ઓફિસમાં ઘૂસી ગયા હતા.
ડીન દ્વારા NSUIને ખાતરી આપવામાં આવી છે કે રેગિંગના આરોપીઓને કોલેજના કોઈપણ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. બેઠકમાં હાજર રહેલા ભાજપના પૂર્વ મેયરે પણ આ ઘટનાની નિંદા કરી હતી અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગણી કરી હતી. સાંસદ નિમુબેન બાંભણિયાએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ડીનને તપાસના આદેશ આપ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો....
ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ




















