2000 Rupees Note Ban: 2000 રુપિયાની નોટ પર રોક લાગતા કૉંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું, જાણો શું આપ્યું નિવેદન ?
રિઝર્વ બેંકે શુક્રવારે (19 મે) એક મોટો નિર્ણય લેતા રુપિયા 2,000 ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો. એક નિવેદન અનુસાર આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
2000 Rupees Note: રિઝર્વ બેંકે શુક્રવારે (19 મે) એક મોટો નિર્ણય લેતા રુપિયા 2,000 ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો. એક નિવેદન અનુસાર આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. બેંકના આ નિર્ણય બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે આપણા સ્વયં-ભૂ વિશ્વગુરુ પહેલા કરે છે, પછી વિચારે છે. તેમણે કહ્યું કે 8 નવેમ્બર 2016ના વિનાશક તુઘલકી ફરમાન પછી 2000 રૂપિયાની નોટો જે ખૂબ જ ધૂમધામથી રજૂ કરવામાં આવી હતી તે હવે પાછી ખેંચવામાં આવી રહી છે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે 8 નવેમ્બર 2016નું ભૂત ફરી એકવાર દેશને પરેશાન કરવા આવી ગયું છે. નોટબંધીનું ખૂબ જ પ્રચારિત પગલું દેશ માટે એક મોટી આપત્તિ બની ગયું છે. PM મોદીએ 2000ની નવી નોટોના ફાયદા પર દેશને ઉપદેશ આપ્યો, આજે જ્યારે પ્રિન્ટિંગ બંધ છે, ત્યારે શું થયું એ બધા વાયદાઓનું ?
સરકારે આવા પગલા પાછળનો પોતાનો ઈરાદો સમજાવવો જોઈએ. સરકાર પોતાનો જનવિરોધી અને ગરીબ વિરોધી એજન્ડા ચાલુ રાખી રહી છે. એવી અપેક્ષા છે કે મીડિયા સરકારને આવા કડક પગલા પર સવાલ કરશે અને વિશ્વમાં 'ચિપની અછત' માટે જવાબદાર નહીં ગણાવે.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે 2016માં નોટબંધી પછી લોકોએ નોકરી ગુમાવી, મૃત્યુ પામ્યા અને અર્થવ્યવસ્થાને નુકસાન થયું. જે સરકારે 2016માં દાવો કર્યો હતો કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે પરંતુ તેમ થયું નહીં. મને આશા છે કે આ વખતે નિષ્ણાતોના અભિપ્રાય પર નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક અનુસાર 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકો અને RBIની 19 શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ બદલી શકશો. 23 મે 2023થી રૂ 2000ની નોટો રૂ 20000ની મર્યાદા સુધી બદલી શકાશે. વર્ષ 2016માં નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત કરતી વખતે સરકારે 500 અને 1000ની નોટો બંધ કરી હતી અને 2000 હજાર રૂપિયાની નોટો લાવી હતી.
બેંકમાં નોટો બદલવા માટે ખાસ વિન્ડો
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે. જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.