Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: આમાં બાળકનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેનનો સમાવેશ થાય છે. આધાર નિયમો અનુસાર, બાળકોનું પહેલું બાયોમેટ્રિક અપડેટ 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે કરાવવું પડે છે

Aadhaar Card Update: સરકારે વાલીઓ અને શાળાઓને ચેતવણી આપી છે કે બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ (Mandatory Biometric Update – MBU) સમયસર કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધાર નિયમો અનુસાર, બાળકોનું પહેલું બાયોમેટ્રિક અપડેટ 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે કરાવવું પડે છે. આમાં બાળકનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેનનો સમાવેશ થાય છે.
જો કોઈ બાળક 5 કે 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ નહીં કરાવે તો તેનો આધાર નંબર બે વર્ષમાં ડિએક્ટિવેટ થઈ શકે છે. જોકે, સરકારે રાહત આપતા કહ્યું છે કે આ સેવા 7 વર્ષ (પહેલી અપડેટ) અને 17 વર્ષ (બીજી અપડેટ) માટે મફત ઉપલબ્ધ રહેશે. આ પછી અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.
અપડેટનો ખર્ચ કેટલો થશે?
UIDAIના વડા ભુવનેશ કુમારના જણાવ્યા અનુસાર, 5 થી 7 વર્ષ (MBU 1) વચ્ચેનું અપડેટ સંપૂર્ણપણે મફત છે. 7 વર્ષની ઉંમર પછી અપડેટ કરવા માટે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે, જે 1 સપ્ટેમ્બરથી વધીને 120 રૂપિયા થઈ જશે. 15 થી 17 વર્ષ (MBU 2) સુધીનું અપડેટ પણ મફત છે. 17 વર્ષ પછી અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.
આ અપડેટ શા માટે જરૂરી છે?
સરકારનું કહેવું છે કે સમયસર અપડેટના અભાવે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે બાળકો NEET, JEE, CUET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નોંધણી કરાવે છે અથવા સરકારી યોજનાઓ અને શિષ્યવૃત્તિનો લાભ લેવા માંગે છે.
શાળાઓમાં કેમ્પ લગાવવામાં આવશે
UIDAI એ શિક્ષણ મંત્રાલય સાથે મળીને આ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. હવે શાળાઓને UDISE+ પ્લેટફોર્મ દ્વારા માહિતી મળશે કે કયા વિદ્યાર્થીઓનું બાયોમેટ્રિક અપડેટ હજુ બાકી છે. આ માટે દેશભરની શાળાઓમાં ખાસ કેમ્પ લગાવવામાં આવશે જેથી બાકી આધાર અપડેટ પૂર્ણ કરી શકાય.
17 કરોડ બાળકોના આધાર અપડેટ બાકી છે
દેશભરમાં લગભગ 17 કરોડ આધાર નંબર છે જેમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ બાકી છે. આ જ કારણ છે કે સરકારે વાલીઓ અને શાળાઓને આ અપડેટ સમયસર કરાવવાની અપીલ કરી છે.
વાલીઓને અપીલ
UIDAI એ સોશિયલ મીડિયા દ્વારા એક સંદેશ પણ આપ્યો છે કે, "અપડેટેડ આધાર બાળકો માટે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી ભલે તે શાળામાં પ્રવેશ હોય, પરીક્ષા ફોર્મ ભરવાનું હોય કે શિષ્યવૃત્તિ મેળવવાનું હોય. તેથી બાયોમેટ્રિક અપડેટ કરાવવું આવશ્યક છે."





















