Petrol Diesel Consumption Increases: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો છતાં માર્ચ 2022માં વધી માંગ, જાણો શું છે કારણ
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર માર્ચ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ વપરાશ 19.41 મિલિયન ટન થયો છે, જે માર્ચ 2019 કરતાં વધુ છે.
Petrol Diesel Consumption Increases: 22 માર્ચથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. આમ છતાં માર્ચ 2022માં પેટ્રોલ અને ડીઝલની માંગ 3 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. સરકારી આંકડાઓ અનુસાર માર્ચમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ 4.2 ટકા વધુ થયો છે, જે કોરોના મહામારી પહેલાના સમયગાળા કરતા વધુ છે.
3 વર્ષમાં સૌથી વધુ વપરાશ
પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર માર્ચ મહિનામાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ વપરાશ 19.41 મિલિયન ટન થયો છે, જે માર્ચ 2019 કરતાં વધુ છે. કોરોના મહામારીની ત્રીજી લહેર બાદ અર્થવ્યવસ્થા સુધરી રહી છે, આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો છે, લોકડાઉન સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયું છે, તેથી માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની માંગ વધી છે.
સંગ્રહખોરીને કારણે માર્ચમાં ડીઝલનો વપરાશ વધ્યો
તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોમાં, દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇંધણ ડીઝલ છે, જે તેના વપરાશમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. ડીઝલનો વપરાશ માર્ચ 2022માં 6.7 ટકા વધીને 7.7 મિલિયન ટન થયો હતો. પેટ્રોલનો વપરાશ 2.91 મિલિયન ટન રહ્યો, જે 6.1 ટકા વધુ છે. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ કોરોના મહામારી પહેલા કરતા પણ વધી રહ્યો છે. માર્ચ મહિનામાં ડીઝલનો વપરાશ વધવાનું મુખ્ય કારણ એગ્રીકલ્ચર સેક્ટર સિવાય ગ્રાહકો અને પેટ્રોલ પંપો દ્વારા જમા કરવામાં આવેલ ડીઝલનો સ્ટોક છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભાવ વધવાના ડરથી લોકોએ ડીઝલનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું. એલપીજીની માંગમાં 9.8 ટકાનો વધારો થયો છે. માર્ચ 2022માં એલપીજીનો વપરાશ 9.8 ટકા વધીને 2.48 મિલિયન ટન થયો છે.
અર્થતંત્રમાં રિકવરીના કારણે વપરાશમાં વધારો થયો
31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઇંધણની માંગ 4.3 ટકા વધીને 202.71 મિલિયન ટન થઈ છે, જે નાણાકીય વર્ષ 2020 થી સૌથી વધુ છે. 2021-22માં પેટ્રોલનો વપરાશ 10.3 ટકા વધીને 30.85 મિલિયન ટન થયો હતો, જ્યારે ડીઝલનું વેચાણ 5.4 ટકા વધીને 76.7 મિલિયન ટન થયું હતું.
નાણાકીય વર્ષ 2021-22માં પેટ્રોલની માંગ અત્યાર સુધીની સૌથી વધુ હતી જ્યારે ડીઝલનું વેચાણ 2019-20માં 82.6 મિલિયન ટનના વપરાશ પછી સૌથી વધુ હતું. એલપીજીનો વપરાશ 3 ટકા વધીને 28.33 મિલિયન ટન થયો છે. જેટ ફ્યુઅલ એટલે કે ATFની માંગ 35 ટકા વધીને 5 મિલિયન ટન થઈ, પરંતુ કોરોના મહામારી પહેલાના વર્ષમાં વપરાશ 80 લાખ ટનથી ઓછો હતો. જેનું મુખ્ય કારણ એ છે કે 27 માર્ચ 2022થી સરકારે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે.