EPF Loan: અચાનક પૈસાની જરૂર પડે તો PF સામે પણ લઈ શકો છો લોન, આ છે અરજીની સરળ રીત
EPFO આપે છે વ્યક્તિગત કટોકટી, ઘર ખરીદી કે લગ્ન માટે PF બેલેન્સમાંથી 50 ટકા ઉપાડની સુવિધા.

EPF loan eligibility: જો તમે ક્યાંક નોકરી કરો છો, તો તમારું પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PF એકાઉન્ટ) ચોક્કસ હશે. આ એકાઉન્ટ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સંચાલિત થાય છે. PF એ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. તમારા PF ખાતામાં દર મહિને તમારા પગારનો અમુક ભાગ જમા થાય છે અને તેના પર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો વ્યાજ પણ મળે છે.
મોટાભાગના લોકો EPF વિશે જાણતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમે તમારા PF બેલેન્સ સામે લોન પણ લઈ શકો છો? હા, કોઈપણ અચાનક નાણાકીય જરૂરિયાત માટે તમે તમારા PF ખાતામાં જમા થયેલી રકમના 50 ટકા સુધી ઉપાડી શકો છો. EPFO વ્યક્તિગત કટોકટી, ઘર ખરીદવા અથવા બનાવવા, તબીબી સારવાર અથવા લગ્ન જેવા ચોક્કસ સંજોગોમાં આ ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે અને આ સુવિધાને EPF લોન કહેવામાં આવે છે.
EPF લોન માટે આ રીતે કરો અરજી:
EPF એડવાન્સ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અરજી કરવા માટે તમારે નીચે આપેલા પગલાં અનુસરવા પડશે:
- સૌથી પહેલા EPFOની સત્તાવાર વેબસાઇટ (યુનિફાઇડ મેમ્બર પોર્ટલ) પર જાઓ.
- હવે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડ ભરીને લોગિન કરો.
- લોગિન કર્યા પછી 'ઓનલાઈન સેવાઓ' ના વિકલ્પ પર ક્લિક કરો અને પછી 'દાવો (ફોર્મ- 31, 19, 10C)' પસંદ કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ અને બેંક ખાતાની વિગતો જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ ડ્રોપડાઉન મેનૂમાંથી લોન લેવાનું કારણ પસંદ કરો.
- તમારે જેટલી રકમની લોન જોઈતી હોય તે રકમ ભરો અને અરજી સબમિટ કરો.
- છેલ્લે તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને આધાર કાર્ડ આધારિત OTP દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે.
આ તમામ પગલાં યોગ્ય રીતે અનુસર્યા પછી EPFO તમારી અરજીની ચકાસણી કરશે અને ત્યારબાદ 7 થી 10 કાર્યકારી દિવસોમાં તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેશે.
કોણ કરી શકે છે EPF લોન માટે અરજી?
EPF લોન લેવા માટે તમારે કેટલીક મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડશે, જેમ કે તમારી પાસે માન્ય UAN હોવો જોઈએ, તમે EPFOના સક્રિય સભ્ય હોવા જોઈએ અને ઉપાડ માટે EPFO દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે. લોનની રકમ પણ નિયત મર્યાદામાં હોવી જોઈએ અને કર્મચારીએ લઘુત્તમ સેવા અવધિની શરત પણ પૂરી કરેલી હોવી જોઈએ.
તમે તમારા અથવા તમારા માતા-પિતા, પત્ની કે બાળકોની સારવાર માટે, તમારા ભાઈ-બહેન, બાળકો અથવા પોતાના લગ્ન માટે અથવા તો ઘર ખરીદવા કે બનાવવા માટે તમારા PF બેલેન્સમાંથી પૈસા ઉપાડી શકો છો. આ રીતે EPF લોન અચાનક આવેલી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
