ટ્રમ્પ અને ઈરાનના ઝઘડામાં સોનું ભડકે બળશે! યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ, ભાવ ₹1.75 લાખે.....
Gold Price Prediction 2026: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી સોનાની ચમક વધશે, જાણો કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાએ સોનાના ભાવ માટે કયો નવો ટાર્ગેટ આપ્યો છે.

Gold Price Prediction 2026: રોકાણકારો માટે વિતેલું વર્ષ એટલે કે 2025 સોનેરી સાબિત થયું છે. સોનાએ આ વર્ષે રોકાણકારોને માલામાલ કરી દીધા છે અને વળતરના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આંકડા પર નજર કરીએ તો, 2025 માં સોનાએ રોકાણકારોને 73.45% જેટલું બમ્પર રિટર્ન (Bumper Return) આપ્યું છે. હવે સવાલ એ છે કે શું નવા વર્ષે એટલે કે 2026 માં પણ આ તેજી યથાવત રહેશે? કોમોડિટી બજારના દિગ્ગજ નિષ્ણાતો માની રહ્યા છે કે ભલે ગત વર્ષ જેટલો મોટો ઉછાળો ન આવે, પરંતુ સોનાના ભાવ હજુ પણ નવી ઊંચાઈઓ સર કરશે. કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાના મતે, આ વર્ષે સોનાના ભાવ ₹1,75,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
ચાલુ વર્ષની શરૂઆત પણ સોના માટે શાનદાર રહી છે. વર્ષના પ્રથમ 10 દિવસમાં જ સોનામાં મજબૂતાઈ જોવા મળી છે. 31 ડિસેમ્બર, 2025 ના રોજ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ₹1,37,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. જે નવા વર્ષે 1 જાન્યુઆરી, 2026 ના રોજ વધીને ₹1,38,340 પર પહોંચ્યો હતો. આ તેજી આગળ વધતા શુક્રવાર, 9 જાન્યુઆરીના રોજ સોનાના ભાવમાં ₹1,200 નો ઉછાળો આવ્યો હતો અને ભાવ ₹1,41,700 ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ બંધ રહ્યો હતો. એટલે કે માત્ર 10 દિવસમાં સોનાના ભાવમાં ₹4,000 અથવા 3% જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે.
2026 માટે શું છે સોનાની આગાહી? (Gold Price Prediction 2026)
કેડિયા એડવાઈઝરીના અજય કેડિયાના જણાવ્યા મુજબ, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા સોનામાં રોકાણ કરવું એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ (Safe Haven) બની રહેશે. તેમણે આગાહી કરી છે કે 2026 માં સોનાના ભાવમાં 20% થી 25% સુધીનો વધારો થઈ શકે છે. ગણતરી મુજબ, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,65,000 થી ₹1,75,000 ની રેન્જમાં જઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે વર્તમાન સ્તરથી ભાવમાં હજુ પણ અંદાજે ₹35,000 નો વધારો થવાની શક્યતા છે.
અમેરિકાના નિર્ણયો અને યુદ્ધની અસર
સોનાના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tension) છે. વેનેઝુએલા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ઈરાનને આપવામાં આવેલી ચેતવણીઓ પર રોકાણકારો ચાંપતી નજર રાખી રહ્યા છે. જ્યારે પણ બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે રોકાણકારો શેરબજાર જેવા જોખમી વિકલ્પો છોડીને સોના તરફ વળે છે, જેથી સોનાની માંગ વધે છે. આ ઉપરાંત, ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવા અંગેના નિર્ણય પર યુએસ સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે, તેના પર પણ બજારની નજર છે. અનિશ્ચિતતાના આ માહોલમાં સોનું એક મજબૂત પોર્ટફોલિયો હેજિંગ સાબિત થઈ શકે છે.





















