હવે તેલ, ખાંડ અને મીઠાઈ એક સાથે થઇ શકે છે મોંઘા, જાણો શું છે કારણ
રાજ્યોના નાણા પ્રધાનોની એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરે તેવી શક્યતા છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થા GST કાઉન્સિલની આગામી બેઠકમાં સૌથી નીચો ટેક્સ દર પાંચ ટકાથી વધારીને આઠ ટકા કરવા પર વિચાર કરી શકે છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો જેવા કે ખાંડ, તેલ, મસાલા, કોફી, કોલસો, ખાતર, ચા, આયુર્વેદિક દવાઓ, ધૂપ, સૂકી કેરી, કાજુ, મીઠાઈઓ, હાથથી બનાવેલી કાર્પેટ, લાઈફ બોટ, ફિશ ફિલેટ્સ, અનબ્રાંડેડ મૂળભૂત વસ્તુઓ પર હાલમાં 5% GST સ્લેબ છે.આ સાથે નમકીન અને જીવન રક્ષક દવાઓ પણ આ સ્લેબમાં છે. આ ઉપરાંત, આવક વધારવા અને વળતર માટે કેન્દ્ર પર રાજ્યોની નિર્ભરતાને દૂર કરવા માટે GST સિસ્ટમમાં મુક્ત ઉત્પાદનોની સૂચિમાં પણ ફરેફાર કરવામાં આવી શકે છે.
આવકમાં વધારો કરવા માટે વિચારણા કરવામાં આવી શકે છે
રાજ્યના નાણા પ્રધાનોની એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં GST કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરે તેવી શક્યતા છે, જેમાં લઘુત્તમ ટેક્સ સ્લેબ વધારવા અને સ્લેબને તર્કસંગત બનાવવા જેવા વિવિધ પગલાં સૂચવવામાં આવશે. હાલમાં, GSTમાં 5, 12, 18 અને 28 ટકાના કર દરો સાથે ચાર-સ્તરનું કર માળખું છે. આવશ્યક ચીજવસ્તુઓને કાં તો આ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે અથવા તેને સૌથી નીચલા સ્લેબમાં સમાવવામાં આવી છે, જ્યારે લક્ઝરી ચીજવસ્તુઓને ટોચના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે.
1.50 લાખ કરોડ વધી શકે છે આવક
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોના નાણાં પ્રધાનો ટેક્સનો દર પાંચ ટકાથી વધારીને આઠ ટકા કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે, જેનાથી વાર્ષિક રૂ. 1.50 લાખ કરોડની વધારાની આવક થવાની ધારણા છે. નીચલા સ્લેબમાં એક ટકાના વધારાને પરિણામે વાર્ષિક રૂ.50,000 કરોડનો આવક લાભ થશે, જેમાં પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
ત્રણ સ્તરનું કર માળખું લાવવાની શક્યતા
કર પદ્ધતિને તર્કસંગત બનાવવા માટે રાજ્યોના નાણાંપ્રધાનો તેનું માળખું ત્રિ-સ્તરીય બનાવવાનું પણ વિચારી રહ્યું છે, જેમાં કરનો દર 8, 18 અને 28 ટકા રાખવામાં આવી શકે છે. જો આ દરખાસ્ત મંજૂર થાય તો 12 ટકાના સ્લેબમાં આવતા તમામ ઉત્પાદનો અને સેવાઓ 18 ટકાના સ્લેબ હેઠળ આવશે. આ ઉપરાંત રાજ્યોના નાણાંપ્રધાનો GSTમાંથી મુક્તિ આપવામાં આવેલી વસ્તુઓની સંખ્યા ઘટાડવાનો પણ પ્રસ્તાવ કરીશ શકે છે.