ગુજરાતની આ 3 સહકારી બેન્કોને RBIએ ફટકાર્યો દંડ, જાણો બેન્કના ગ્રાહકોને અસર થશે કે નહી...
RBI Monetary Penalty: ભારતીય રિઝર્વ બેંકે (RBI) ગુજરાતની ત્રણ સહકારી બેંકો સામે કાર્યવાહી કરતાં દંડાત્મક પગલાં લીધાં છે.
RBI Monetary Penalty: ભારતીય રિઝર્વ બેંકે (RBI) ગુજરાતની ત્રણ સહકારી બેંકો સામે કાર્યવાહી કરતાં દંડાત્મક પગલાં લીધાં છે. આ ત્રણ બેન્કોમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિ.નો સમાવેશ થાય છે. આ બેન્કોની કામગીરીમાં વહિવટી નિયમોના પાલનની ખામીઓ જણાતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટની સહકારી બેંકને સૌથી વધુ દંડ:
બિઝનેસ ટુડેના એક રિપોર્ટ મુજબ, રિઝર્વ બેંકે (RBI) સોમવારે ત્રણેય સહકારી બેંકો પર દંડની આ કાર્યવાહી કરી છે. રાજકોટની સહકારી બેંકને સૌથી વધુ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને રુ. 50,000 અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિમિટેડને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દંડની આ કાર્યવાહીના સંદર્ભમાં, RBIએ રાજકોટની સહકારી બેંકને જણાવ્યું હતું કે બેંકે 10 વર્ષથી વધુ સમયથી બાકી રહેલા કેટલાક ખાતાઓમાં ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં બાકીની રકમ જમા કરી નથી. જેના કારણે બેંકને નોટિસ પાઠવી કારણ પૂછવામાં આવ્યું હતું. જો કે, રાજકોટની આ બેંકે યોગ્ય કારણો ન આપતાં આ સંબંધે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
લોનની મંજૂરીના નિયમોનું પાલન ના થયુંઃ
આ ઉપરાંત કચ્છમાં આવેલી ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકે લોનની મંજૂરીના મામલે નિયમોનું પાલન કર્યું નથી. જ્યારે ત્રીજી બેંક મેઘરાજ નાગરિક સહકારી બેંકે પણ આવી જ રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બેંક માટે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકે 6 લોન મંજૂર કરી હતી, જેમાં ડાયરેક્ટરોના સંબંધીઓ કોલેટરલ/જામીનદાર તરીકે સામેલ હતા અને તેમને લોન આપી દેવામાં આવી હતી.
શું બેન્કના ગ્રાહકોને થશે અસર?
ત્રણ સહકારી બેંકો પર ભારતીય રિઝર્વ બેંકની આ કાર્યવાહીથી બેન્કના ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. નોંધનીય છે કે આરબીઆઈ નિયમોના પાલનમાં રહેલી ખામીઓને લઈને બેંકો પર સતત ચાંપતી નજર રાખવામાં આવે છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ રિઝર્વ બેંકે ત્રણ સહકારી બેંકો પર દંડ લગાવ્યો હતો.