Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. અલગ-અલગ વાવેતરની આડમાં ગેરકાયદે નશાનું વાવેતર અને વેપલાના એક સુવ્યવસ્થિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો. સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ધજાળા પોલીસે બે અલગ-અલગ દરોડામાં કસવાળી સીમના બે ખેતરમાંથી મબલખ કહી શકાય તેવા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ. પોલીસે બે શખ્સ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે માહિતીના આધારે પહેલો દરોડો કસવાળી ગામે એક વાડીમાં પાડ્યો. જ્યાં કપાસ અને એરંડાની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં આવ્યું. SOGની ટીમે ખેતરમાંથી આરોપી સંજય તાવિયાને દબોચી લેવા સાથે લીલા ગાંજાના 550 છોડવા જેનું વજન 3036 કિલોગ્રામ જપ્ત કરાયું. આ ગાંજાની કિંમત અધધધ 15 કરોડ 18 લાખ 40 હજાર રૂપિયા થાય છે.. આ તરફ ચોટીલા પોલીસે કસવાળીના ભાવી મીઠાપરાના ખેતરમાં માહિતીના આધારે છાપો માર્યો. જ્યાં તુવેરના પાકની આડમાં 120 ગાંજાના છોડ મળી આવ્યા. પોલીસે 2 કરોડ 35 લાખ 90 હજાર રૂપિયાની કિંમતના 471 કિલોગ્રામના ગાંજાના છોડ જપ્ત કર્યા. આરોપી ભાવુ મીઠાપરા વિરૂદ્ધ NDPS એકટ હેઠળ કાર્યવાહી કરી. પોલીસ ટીમે કરેલી કાર્યવાહી બાદ બંને સ્થાનો પર ગાંજાના છોડવાનો મુદ્દામાલ જમીનમાંથી ઉખાડી તેને કાયદેસર સીલ કરતા 40 કલાક જેટલો સમય લાગ્યો. પોલીસે કહ્યું કે ગાંજાના ભાવ ઊંચકાતા નશાની ખેતી ફૂલફાલી છે.. ગત મહિને પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખીંટલાની સીમમાંથી 2.80 કરોડનો લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો.

















