HDFC Home Loan : HDFCના હોમ લોન ગ્રાહકોને લાગ્યો ઝટકો, વ્યાજ દરોમાં કર્યો વધારો,
દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) એ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરીને ગ્રાહકોને ચોંકાવી દીધા છે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) એ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરીને ગ્રાહકોને ચોંકાવી દીધા છે. HDFCએ શનિવારે તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં વધારો કર્યો છે. RPLR એ બેન્ચમાર્ક લેન્ડિંગ દર છે. તમે તેને લઘુત્તમ વ્યાજ દર પણ કહી શકો છો. HDFCએ તેમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.
વધેલા દરો 1 ઓગસ્ટથી લાગુ થશે. નોંધનીય છે કે આની અસર નવા અને વર્તમાન બંને ગ્રાહકો પર પડશે. બંનેની લોનની EMIમાં વધારો થશે. એચડીએફસીએ શનિવારે સ્ટોક એક્સચેન્જને વ્યાજ દરોમાં વધારા અંગે માહિતી આપી હતી. HDFCએ કહ્યું, “HDFC એ હાઉસિંગ લોન પર તેના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં વધારો કર્યો છે. આ તે દર છે કે જેના પર એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) બેન્ચમાર્ક કરવામાં આવે છે. દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 1 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.
HDFC હોમ લોન 3 મહિનામાં 5 ગણી મોંઘી થઈ
તાજેતરના વધારા પહેલા પણ HDFC એ 9 જૂને RPLRમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો વધારો કર્યો હતો. અગાઉ 1 જૂનના રોજ દરમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 2 મેના રોજ વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો અને 9 મેના રોજ હોમ લોનના દરમાં 0.30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. HDFC રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં આ તાજેતરના વધારા સાથે લોન લેનારાઓ માટે હોમ લોન વધુ મોંઘી બનશે અને તેમણે EMI માટે વધુ રકમ ખર્ચવી પડશે.
RBI વ્યાજ દરમાં વધારો કરી શકે છે
HDFC એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના થોડા દિવસો પહેલા વ્યાજ દરોમાં આ વધારો કર્યો છે. આરબીઆઈની આ MPC બેઠકમાં ફુગાવાને કાબૂમાં રાખવા માટે રેપો રેટમાં વધારો થવાની ધારણા છે. આ બેઠક આવતા સપ્તાહે યોજાવાની છે. આગામી મીટિંગમાં રેપો રેટ 0.35 થી 0.50% સુધી વધારવામાં આવી શકે છે. નોંધપાત્ર રીતે મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે મે અને જૂનમાં સતત બે તબક્કામાં રેપો રેટમાં 0.90%નો વધારો કર્યો હતો. જેના કારણે રેપો રેટ વધીને 4.90% થઈ ગયો છે. આ પછી બેંકો અને અન્ય ધિરાણ સંસ્થાઓ સતત લોન મોંઘી કરી રહી છે. જો કે આ કારણે FDના વ્યાજ દરો પણ વધી રહ્યા છે.