HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ નવા વાયરસે લોકોના મનમાં કોરોના મહામારીની યાદો તાજી કરી દીધી છે. ચીનમાં HMPV ફાટી નીકળવાના સમાચાર પછી લોકડાઉન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
ચીનથી ફેલાઇ રહેલી નવી બીમારી HMPVએ ભારતમાં પણ લોકોની ચિંતામાં વધારી દીધી છે. હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) પણ સોમવારે ભારતમાં એન્ટ્રી કરી હતી. ભારતમાં એક દિવસમાં HMPVના પાંચ કેસ નોંધાયા હતા. તેમાંથી કર્ણાટક અને તમિલનાડુમાં બે-બે કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં એક કેસ નોંધાયો છે. આ તમામ ભારતમાં આ વાયરસથી સંક્રમિત બાળકો છે.
આ નવા વાયરસે લોકોના મનમાં કોરોના મહામારીની યાદો તાજી કરી દીધી છે. ચીનમાં HMPV ફાટી નીકળવાના સમાચાર પછી લોકડાઉન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. લોકોએ આ વાયરસની તુલના COVID-19 સાથે કરવાનું શરૂ કર્યું હતું, જેણે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
લોકડાઉનની ચર્ચા શા માટે થઈ?
નવેમ્બર 2019માં ચીનના વુહાનમાં કોવિડના સૌ પ્રથમ કેસ નોંધાયા હતા અને તે ઝડપથી અન્ય દેશોમાં ફેલાયા હતા. ભારતમાં COVID-19નો પ્રથમ કેસ જાન્યુઆરી 2020માં કેરળમાં નોંધાયો હતો. પછી થોડી જ વારમાં આ રોગ આખા દેશમાં ફેલાઈ ગયો અને સરકારે તેને કાબૂમાં લેવા માટે લોકડાઉનની જાહેરાત કરવી પડી હતી.
આવી સ્થિતિમાં લોકોને ડર છે કે HMPV કેસમાં વધારો થવાથી અન્ય વૈશ્વિક પ્રકોપ થઈ શકે છે અને સરકારને તેને ફેલાતા રોકવા માટે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી શકે છે.
જો કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ લોકોને ખાતરી આપી હતી કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને ચિંતા કરવાની જરૂર નથી. નિષ્ણાતોએ પણ પુષ્ટી કરી છે કે આ કોરોના વાયરસ જેવી સ્થિતિ નથી, તેથી તેને રોકવા માટે લોકડાઉન જેવા પગલાંની જરૂર રહેશે નહીં.
આ વાયરસ શું છે?
એચએમપીવી એ વૈશ્વિક સ્તરે ઓળખવામાં આવેલો શ્વસન સંબંધી બીમારી પેદા કરનાર વાયરસ છે. તાજેતરમાં ચીનમાં તેના કેસમાં વધારો થવાથી વિશ્વનું ધ્યાન તેની તરફ ગયું છે. તે એક વાયરલ રોગ છે. જે તમામ વય જૂથોના લોકોમાં શ્વાસની તકલીફનું કારણ બને છે. જો કે કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ આશ્વાસન આપ્યું છે કે ગભરાવાની જરૂર નથી. દિલ્હી સરકારે રાજધાનીની તમામ હોસ્પિટલોને શ્વાસ સંબંધી રોગોમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન