SIPમાં રોકાણનો ક્રેઝ, 5 વર્ષમાં SIPની AUMમાં થયો તોતિંગ વધારો
મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લોકપ્રિય રીતે SIP તરીકે જાણીતા છે, જે મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રોકાણની એક પદ્ધતિ છે. જેમાં વ્યક્તિગત રોકાણકાર પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિયમિત સમયાંતરે નિર્ધારિત રકમનું રોકાણ કરી શકે છે. જેમ કે લમ્પ-સમ રોકાણને બદલે દર મહિને. SIP રોકાણની શરૂઆત રૂ. 500 જેટલી નાની રકમ સાથે થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ SIPs રિકરિંગ બેન્ક ડિપોઝિટ જેવી છે, જેમાં તમે દર મહિને નાની/નિર્ધારિત રકમ જમા કરો છો.
નવી દિલ્હીઃ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાની દ્રષ્ટિએ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં વ્યક્તિગત રોકાણકારોનો રસ દર વર્ષે વધી રહ્યો છે, જે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન SIP ફોલિયો, SIP પ્રદાન અને SIP AUMsમાં થતી વૃદ્ધિમાં જોવા મળે છે. AMFIના આંકડા મુજબ, મ્યુચ્યુઅલ ફંડ SIP AUMs ચારગણી વધીને 31 મે, 2021ના રોજ રૂ. 4,67,366.13 કરોડ થઈ છે, જે 31 ઓગસ્ટ, 2016ના રોજ રૂ. 1,25,394 કરોડ હતી.
પાંચ વર્ષમાં SIP AUMમાં વર્ષ 30 ટકાની વૃદ્ધિ
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ SIP પ્રદાનમાં પણ બેગણો વધારો જોવા મળ્યો છે, જે મહામારીથી અસરગ્રસ્ત વર્ષ એપ્રિલ, 2020થી 31 માર્ચ, 2021 દરમિયાન રૂ. 96,080 કરોડ રહ્યું હતું, જે એપ્રિલ, 2016થી માર્ચ, 2017 દરમિયાન રૂ. 43,921 કરોડ હતું. છેલ્લાં પાંચ વર્ષમાં SIP AUMમાં વર્ષ 30 ટકાની વૃદ્ધિ થઈ છે, જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUMમાં વૃદ્ધિની સરખામણીમાં બમણી ઝડપથી વધી છે.
આ આંકડા છે સાબિતી
મ્યુચ્યુઅલ ફંડ માસિક SIP ફાળો પણ 31 ઓગસ્ટ, 2016ના રૂ 3,497 કરોડ થી 2.52 ગણું વધીને મે, 2021ના રોજ રૂ. 8,819.9 કરોડ થયું છે. કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ પાંચ મહિનામાં જ SIPsનો ફાળો રૂ. 42,148 કરોડ રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે નાના રોકાણકારોનો લગાવ વધી રહ્યો છે, જે છેલ્લાં પાંચ વર્ષના ગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ SIP અકાઉન્ટ્સમાં જોવા મળે છે, જે આ ગાળામાં 30 એપ્રિલ, 2016ના રોજ એક કરોડથી લગભગ ચારગણી વધીને 31 મે, 2021ના રોજ 3.88 કરોડ થઈ છે. માસિક ધોરણે નોંધાયેલી નવા SIPsનો આંકડો 30 એપ્રિલ, 2016ના રોજ 5.88 લાખથી લગભગ ત્રણ ગણો વધીને 31 મે, 2021ના રોજ 15.48 લાખ થયો છે.
કેમ એસઆઈપીમાં થઈ રહ્યો છે વધારો
AMFIના ચીફ એક્ઝિક્યુટિવ એન એસ વેંકટેશે જણાવ્યું હતું, “નાના રોકાણકારોને સમજાયું છે કે બેન્કમાં વ્યાજદર છેલ્લાં ચાર વર્ષથી ઘટાડા તરફ છે. મોંઘવારી સામે સરભર કરી શકાય એવું લાંબા ગાળાનું વળતર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ જ આપી શકે છે. એટલે મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ, ખાસ કરીને SIP માધ્યમો પ્રત્યે તેમનો લગાવ વધી રહ્યો છે. નાના રોકાણકારો તેમના જીવનના વિવિધ તબક્કાઓનાં લક્ષ્યાંકો અને જોખમ ખેડવાની ક્ષમતાને આધારે બેન્ક ડિપોઝિટથી મ્યુચ્યુઅલ ફંડ SIPs તરફ વળી રહ્યા છે, કારણ કે બેન્કના વ્યાજદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.”