Job Fraud: પાર્ટ ટાઇમ જોબના નામ પર લોકોને છેતરતી 100થી વધુ વેબસાઇટ પર પ્રતિબંધ, સરકારની મોટી કાર્યવાહી
Part Time Job Fraud: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેતરપિંડી સાથે સંકળાયેલી આવી 100થી વધુ વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે.
Part Time Job Fraud: કોરોના મહામારી બાદ લોકો ઘરેથી કામ અને પાર્ટ ટાઈમ જોબ કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. જેના કારણે ઘરે પાર્ટ ટાઈમ નોકરીની લાલચ આપીને છેલ્લા કેટલાક સમયથી છેતરવાનું શરૂ કર્યું હતું. દેશભરમાંથી આવા સાયબર ક્રાઈમના સમાચારો આવતા રહેતા હોય છે. આવી નકલી કંપનીઓ તમને કામના બદલામાં સારા પૈસાની લાલચ આપીને ફસાવતી હતી. તેમની જાળમાં ફસાઈને ઘણા લોકોના બેન્ક ખાતા ખાલી જઇ જાય છે. હવે સરકારે આ નકલી વેબસાઈટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેતરપિંડી સાથે સંકળાયેલી આવી 100થી વધુ વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ વેબસાઈટ દેશની બહારથી ચલાવવામાં આવી રહી હતી
મળતી માહિતી મુજબ આ વેબસાઈટ દેશની બહારથી ચલાવવામાં આવી રહી હતી. તેમના દ્વારા ગેરકાયદેસર રોકાણ પણ કરવામાં આવતું હતું. તેઓ ચેટ મેસેન્જર અને ડિજિટલ જાહેરાતો દ્વારા લોકોને ફસાવતા હતા. નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ (NCTAU) ના ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ ગયા અઠવાડિયે આ વેબસાઈટોની ઓળખ કરી હતી. કેન્દ્રએ તેમને બંધ કરવા માટે ભલામણ મોકલી હતી. માહિતી અનુસાર, આ વેબસાઇટ્સ યુઝર્સને ખોટી રીતે નોકરી અને રોકાણની ઓફર કરીને છેતરતી હતી. આ વેબસાઈટોને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બ્લોક કરવામાં આવી હતી.
ક્રિપ્ટો કરન્સી, એટીએમ અને ફિનટેક કંપનીઓમાંથી ઉપાડી લેતા હતા પૈસા
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશમાં બેઠેલા લોકો આ વેબસાઈટ દ્વારા લોકોને ફસાવવા માટે ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ, ચેટ મેસેન્જર અને રેન્ટેડ એકાઉન્ટની મદદ લઈ રહ્યા છે. આ લોકો ક્રિપ્ટો કરન્સી, વિદેશમાં એટીએમથી નાણા ઉપાડવા અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓ દ્વારા છેતરપિંડીની રકમ ઉપાડતા હતા. ગૃહ મંત્રાલયે આવી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે I4Cની રચના કરી હતી.
આ પહેલા નવેમ્બરમાં 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેમાં મહાદેવ બુકનો સમાવેશ થાય છે, જેના કારણે દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ પછી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ પણ ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.