ભારતીય મૂળના ટેસ્લાના CFO વૈભવ તનેજાની સેલેરી 1139 કરોડ રૂપિયા, સુંદર પિચાઇ અને સત્યા નડેલાને છોડ્યા પાછળ
Teslas CFO Vaibhav Taneja: ભારતીય મૂળના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે

Teslas CFO Vaibhav Taneja: ભારતીય મૂળના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. તમને જાણીને નવાઈ લાગશે કે કમાણીની બાબતમાં તેમણે ઘણા મોટા નામોને પાછળ છોડી દીધા છે. વર્ષ 2024માં વૈભવે 139 મિલિયન ડોલર (લગભગ 1,157 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી.
2023માં પ્રમોશન પછી વૈભવ તનેજાનો પગાર વધીને 400,000 ડોલર ( 3.33 કરોડ રૂપિયા) થયો, પરંતુ સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ્સને કારણે તેમના પેકેજમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ બાબતમાં તેમણે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પાછળ છોડી દીધા હતા, જેમણે આ સમયગાળા દરમિયાન અનુક્રમે 79.1 મિલિયન ડોલર ( 658 કરોડ રૂપિયા) અને 10.73 મિલિયન ડોલર ( 89 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી.
ટેસ્લાના શેરના મૂલ્યમાં વધારો થવાથી ફાયદો થયો
47 વર્ષીય વૈભવ 2017માં ટેસ્લામાં જોડાયા હતા. ટેસ્લાના વધતા શેર મૂલ્યથી તેમને ફાયદો થયો હતો. 2023માં CFO બન્યા પછી વૈભવને તેમનું મોટાભાગનું વળતર સ્ટોકના રૂપમાં મળ્યું છે. વૈભવને આપવામાં આવેલા ટેસ્લાના શેરની કિંમત 2023માં 4 વર્ષના વેસ્ટિંગ પીરિયડ સાથે લગભગ 250 ડોલર ( 20,800 રૂપિયા) હતી. 19 મે, 2025 સુધીમાં તે વધીને 342 ડોલર ( 28,400 રૂપિયા) થઈ ગઈ હતી.
રસપ્રદ વાત એ છે કે, ટેસ્લા જ્યારે EV સપ્લાયમાં ઘટાડો અને નફામાં ઘટાડો જેવી સમસ્યાઓનો સામનો કરી રહી હતી ત્યારે આ બન્યું હતું. વૈભવ તનેજાને કરવામાં આવેલ ચુકવણી કોઈપણ CFOને ચૂકવવામાં આવેલ સૌથી વધુ છે. આ સાથે તેમણે 2020માં નિકોલાના CFO દ્વારા બનાવેલા 86 મિલિયન ડોલર ( 715 કરોડ રૂપિયા) ના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.
વૈભવ તનેજા કોણ છે?
-વૈભવ તનેજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતક છે.
-વૈભવે ભારત અને અમેરિકામાં પ્રાઇસવોટરહાઉસકૂપર્સ (PwC) માં 17 વર્ષ (1999 થી 2016) સુધી કામ કર્યું હતું.
-માર્ચ 2016માં તેઓ સોલારસિટી કોર્પોરેશનમાં જોડાયા હતા. અહીં તેમણે વાઇસ પ્રેસિડેન્ટથી લઈને કોર્પોરેટ કંટ્રોલર સુધીની જવાબદારીઓ નિભાવી હતી. ટેસ્લાએ આ વર્ષે સોલારસિટી હસ્તગત કરી હતી. ત્યારબાદ તનેજાએ બંને કંપનીઓની એકાઉન્ટિંગ ટીમોનું નેતૃત્વ કર્યું હતું.
-તેમણે 2017માં ટેસ્લા સાથે સહાયક કોર્પોરેટ કંટ્રોલર તરીકે પોતાની સફર શરૂ કરી હતી. 2018માં ટેસ્લાના કોર્પોરેટ કંટ્રોલર બન્યા હતા. 2019માં તેમને ચીફ એકાઉન્ટિંગ ઓફિસરના પદ પર બઢતી આપવામાં આવી હતી.
-2021માં વૈભવને ટેસ્લાની ભારતીય પેટાકંપની ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
-ઓગસ્ટ 2023માં તેમને ટેસ્લાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.





















