2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
આ ઘટના માટે જવાબદાર કોણ? તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી?
2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં અચાનક આવેલા ઘટાડાથી દેશના રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઘટના માટે જવાબદાર કોણ? તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી? આ પ્રશ્નનો જવાબ આપતા રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે તે એક દિવસ દરમિયાન જે પણ બજાર ઘટ્યું હતું તે આગામી ત્રણ દિવસમાં સરભર થઈ ગયું હતું.
નાણા રાજ્ય મંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે, શેરબજારની ચાલ અન્ય પરિબળો તેમજ રોકાણકારોની ધારણા પર આધારિત છે. જેમાં અન્ય બાબતોની સાથે વિદેશી મૂડી પ્રવાહને પ્રભાવિત કરતા વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ, ઘરેલું વ્યાપક આર્થિક પેરામીટર અને સમગ્ર કોર્પોરેટ પ્રદર્શન સામેલ છે.
બજારે ત્રણ દિવસમાં રિકવરી કરી
માહિતી આપતા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે 16 માર્ચ, 2024ના રોજ સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. અને 3 જૂન સુધી બંનેમાં 5.3 ટકા અને 5.6 ટકાનો વધારો થયો હતો. પરંતુ 4 જૂને સામાન્ય ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી સેન્સેક્સ અને નિફ્ટી 5.7 ટકા અને 5.9 ટકા ઘટ્યા હતા, જો કે, બંને સૂચકાંકો ત્રણ દિવસમાં રિકવર થઇ ગયા અને 4 જૂન, 2024 થી રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.
27 નવેમ્બર સુધી બંને સૂચકાંકો 11.3 ટકા અને 10.9 ટકા વધ્યા છે. 4 જૂને, NSE અને BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો, પરંતુ પાંચ દિવસમાં તે વેલ્યુએશન પાછું મેળવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે 27મી નવેમ્બર સુધીમાં તેમાં લગભગ 50 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
વિપક્ષે કહ્યું હતું કે આ એક મોટું કૌભાંડ છે
વાસ્તવમાં ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલમાં એનડીએને 400 બેઠકો મળવાનો અંદાજ હતો, જેના કારણે શેરબજારમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ પરિણામ તે પ્રકારનું આવ્યું નહોતું જેના કારણે શેરબજારમાં અચાનક જ એક દિવસમાં ભારે ઘટાડો થયો હતો. વિરોધ પક્ષોએ તે સમયે પણ આને મુદ્દો બનાવ્યો હતો અને રોકાણકારોના કરોડો રૂપિયા ગુમાવ્યા હોવાનો આક્ષેપ કરીને તેને એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું.
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો