Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે.
Gujarat Weather : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી કાતિલ ઠંડી
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું
સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજકોટ 13.6 ડિગ્રી, અમરેલી 15.1 ડિગ્રી, પાલનપુર તાપમાન 11.3 ડિગ્રી, મહેસાણા 11.2 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું હતું. વડોદરા 11.6 ડિગ્રી, પંચમહાલ 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરત 15 ડિગ્રી, વેરાવળ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગર 15.1 ડિગ્રી, દ્વારકા 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લૂ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે.
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા