ભારત જ નહીં આ દેશોના લોકોને પણ ડરાવી રહી છે મોંઘવારી, જાણો ક્યારે મળશે છૂટકારો
ભારત જ નહીં પણ અમેરિકા , જાપાન અને ચીનને પણ મોંઘવારીનો ડર સતાવી રહ્યો છે.નવા વર્ષમાં મોંઘવારી વધે તેવા ડરથી આ દેશો પણ ચિંતામાં છે.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે તમામ ચીજો મોંધી થઈ ગઈ છે. આમ આદમી મોંઘવારીથી પરેશાન છે. લોકોને મોંઘવારીથી ક્યારે રાહત મળશે તેની ચિંતા થઈ રહી છે. જોકે માત્ર ભારત જ નહીં પણ અમેરિકા , જાપાન અને ચીનને પણ મોંઘવારીનો ડર સતાવી રહ્યો છે.નવા વર્ષમાં મોંઘવારી વધે તેવા ડરથી આ દેશો પણ ચિંતામાં છે.
અમેરિકામાં 1982 પછી સૌથી ઊંચા સ્તરે મોંઘવારી
અમેરિકામાં 1982 બાદ મોંઘવારી સૌથી ઊંચા સ્તરે છે.ભારતમાં જથ્થાબંધ મોંઘવારીનો આંકડો 12 વર્ષની ઉંચાઈએ છે.આમ નવા વર્ષમાં લોકો પરનો બોજ ઘટવાની જગ્યાએ વધે તેમ લાગી રહ્યુ છે.જાપાનમાં મોંઘવારી 40 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.જ્યારે બ્રિટનમાં મોંઘવારી 2011 પછીના સૌથી ઉંચા સ્તર પર પહોંચી છે.
ક્યારે મળશે મોંઘવારીથી છૂટકારો
કોરોના મહામારીની શરુઆત બાદ દુનિયાભરના દેશોમાં હાહાકાર મચ્યો હતો અને આર્થિક સ્તરે જે નુકસાન થયુ હતુ તેની ભરપાઈ હજી સુધી થઈ નથી અને હવે ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાને ડરાવી રહ્યો છે.ફરી દુનિયાના વિવિધ દેશો નવેસરથી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે.મોટા મોટા દેશોમાં વધતી મોંઘવારીથી લોકોને 2022માં રાહત મળે તેવી આશા દેખાઈ રહી નથી.
તમામ વસ્તુઓ થઈ મોંઘી
ભારતની વાત કરવામાં આવે તો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારીત છુટક બજારની મોંઘવારી 4. 9ટકાના સ્તર પર પહોંચી ચુકી છે.બીજી તરફ જથ્થાબંધ બજારની મોંઘવારી 12 વર્ષના હાઈ પર છે.આ સ્તર ડરાવનાર છે.હાલમાં જથ્થાબંધ મોંઘવારી 14.23 ટકાના સ્તરે છે.જથ્થાબંધ મોંઘવારી સતત આઠ મહિનાથી ડબલ ડિજિટમાં છે.તેની પાછળનુ કારણ પેટ્રોલિયમ પેદાશો, ફૂડ પ્રોડક્ટસ વગેરેના ભાવોમાં વધારો છે.મોંઘવારીની અસર કપડા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ દેખાઈ રહી છે. આમ આવતા વર્ષ એટલેકે 2022માં પણ લોકોને મોંઘવારી છુટકારો નહીં મળે તેમ માનવામાંઆવી રહ્યું છે.