મોદી સરકાર આ બચત યોજનાના રોકાણકારોને આપી શકે છે સારા સમાચાર, વ્યાજ દરમાં કરશે વધારો!
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ વધારો કર્યો હતો પરંતુ PPF પરના વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો.
PPF Rate Hike: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં રોકાણ કરનારા રોકાણકારોને મોટી ભેટ મળી શકે છે. નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે જુલાઈથી સપ્ટેમ્બર સુધી PPFના વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. નાણા મંત્રાલય નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. જેની આજે જાહેરાત થઈ શકે છે.
એપ્રિલ 2020 થી અત્યાર સુધી PPFના વ્યાજ દરોમાં કોઈ વધારો થયો નથી. PPF પર હાલમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો કે, આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં લગભગ તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કર્યો છે.
એપ્રિલથી જૂન માટે, આ બચત યોજનાઓના વ્યાજ દરમાં 10 થી 70 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટનો વ્યાજ દર 7 ટકાથી વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 7.6 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે. હાલમાં કિસાન વિકાસ પત્ર પર વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે અને તેની પાકતી મુદત 120 મહિનાથી ઘટાડીને 115 મહિના કરવામાં આવી છે.
આ બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકારે પીપીએફના વ્યાજ દરમાં વધારો કર્યો નથી. જ્યારે RBIએ એક વર્ષમાં રેપો રેટમાં 2.50નો વધારો કર્યો છે. જે બાદ બેંકોએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે, ત્યારબાદ સરકારે તેની નાની બચત યોજનાઓમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં પીપીએફના રોકાણકારો પણ વ્યાજદરમાં વધારો થવાની આશા રાખી રહ્યા છે.
PPF ના વ્યાજ દરો નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા છે જેને નાણા મંત્રાલય દ્વારા 2016 માં સૂચિત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત PPF પર 10 વર્ષની બોન્ડ યીલ્ડ કરતાં 25 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ આપવામાં આવે છે. હાલમાં બોન્ડ યીલ્ડ 7.3 ટકા છે. આ ફોર્મ્યુલાના આધારે પીપીએફના વ્યાજ દરો વધારીને 7.55 ટકા કરવા જોઈએ.
શહેરી અને ગ્રામીણ સામાન્ય ભારતીયો PPF જેવી બચત યોજનાઓમાં સલામત તરીકે રોકાણ કરે છે. આ એવા લોકો છે જે શેરબજારના ઉતાર-ચઢાવથી દૂર રહીને આ યોજનાઓમાં રોકાણ કરવા પર આધાર રાખે છે અને ટેક્સ બચાવવા માટે પણ રોકાણ કરે છે. PPFની લોકપ્રિયતા જાળવી રાખવા માટે સરકાર પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ છે.