RBI Repo Rate 2025: હોમ લોન, કાર લોન લેનારાઓ માટે રાહતના સમાચાર, હવે ચૂકવવી પડશે આટલી EMI
ઘર ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે

ઘર ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઇએ 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યા બાદ રેપો રેટ હવે ઘટીને 6 ટકા થઇ ગયો છે. આ વર્ષે 2025માં રેપો રેટમાં સતત બીજો ઘટાડો છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઇએ પોતાની મોનિટરી પોલિસીમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. આ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા પર આવી ગયો હતો. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ 9 એપ્રિલના રોજ રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી.
બેન્કો જલદી ઘટાડશે હોમ-કાર લોન પર ઇન્ટરેસ્ટ
નિષ્ણાતોના મતે આરબીઆઇએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેન્ક લોન પર વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરશે. તેમા હોમ લોન ગ્રાહકોની ઈએમઆઇ ઘટશે. પરંતુ આ ફાયદો ફક્ત એ લોકોને મળશે જેમણે ફ્લોટિંગ રેટ પર હોમ લોન લીધી છે. ઘર ખરીદવા માટે હોમ લોન લેવાની યોજના બનાવી રહેલા લોકોને હવે ઓછા વ્યાજ પર હોમ લોન મળી જશે. આરબીઆઇ રેપો રેટમાં ઘટાડો કરીને બેન્કોને લોનમાં વ્યાજદરમાં ઘટાડો કરવાના સંકેત આપે છે.
ઉદાહરણ તરીકે તમે બેન્કમાંથી 30 વર્ષ માટે 8.70 ટકાના વ્યાજ દરે 50 લાખ રૂપિયાની હોમ લોન લઈ શકો છો.
વર્તમાન EMI- 39,157
જો વ્યાજ દર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 8.45 ટકા કરવામાં આવે તો EMI 38,269 રૂપિયા થશે, જેના પરિણામે દર મહિને 888 ની બચત થશે. આનો અર્થ એ થયો કે માત્ર 0.25 ટકાના દર ઘટાડા સાથે દર વર્ષે 10,500 રૂપિયાથી વધુની બચત થશે. આનાથી મોટો ફરક પડી શકે છે ખાસ કરીને જો તમારી પાસે 20 કે 30 વર્ષની લોનની મુદત પર લીધી હોય તો.
કાર ખરીદનારા ગ્રાહકોને પણ થશે ફાયદો
કાર ખરીદવા માંગતા લોકોને પણ રેપો રેટમાં ઘટાડાનો ફાયદો થશે. તેમને ઓછા વ્યાજ પર લોન મળી જશે. જેઓ અગાઉથી જ કાર ખરીદવા માટે બજેટ નક્કી કરી ચૂક્યા છે તેઓ મોટી કાર ખરીદી શકશે. હાલમાં હોમ લોન પર 8.10 ટકાથી લઇને 9.5 ટકા વચ્ચે છે.
તમારે શું કરવું જોઇએ
જો તમે ઘર કે કાર ખરીદવા માટે બેન્કમાંથી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે યોગ્ય સમય છે. આ વર્ષે આરબીઆઇ બે વખત રેપો રેટ ઘટાડી ચૂક્યું છે.જેનો અર્થ એ છે કે બેન્કોને હોમ અને કાર લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે. જેમણે લોન લીધી છે તેમને રાહત મળવામાં થોડો સમય લાગી શકે છે. બાદમાં બેન્કો સાથે વાતચીત કરવી જોઇએ.





















