10 સેકન્ડમાં રોકાણકારોના 1.80 લાખ કરોડ સ્વાહા, રેપો રેટની જાહેરાત અગાઉ માર્કેટ તૂટ્યું
આ નાણાકીય વર્ષ 2026ની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરવા જઈ રહી છે

Senesex-Nifty Opens Red: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓ પર 'મોટા ટેરિફ'ની જાહેરાત કરીને રોકાણકારોમાં ડરનો માહોલ ફેલાવી દીધો છે. હવે બજારની નજર RBI ની જાહેરાત પર છે, જે આ નાણાકીય વર્ષ 2026ની પ્રથમ નાણાકીય નીતિની જાહેરાત કરવા જઈ રહી છે. આ જાહેરાત પહેલા આજે બજારમાં વેચવાલીનું દબાણ છે.
ભારતીય શેરબજારમાં આજે ઘટાડો ચાલુ રહ્યો છે. બુધવારે સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 22450ની નીચે ખુલ્યો છે. આના એક દિવસ પહેલા મંગળવારે સ્થાનિક શેરબજારે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી ચાલુ રહેલા ઘટાડાને અટકાવ્યો અને BSE સેન્સેક્સ 1,089 પોઈન્ટ વધ્યો જ્યારે NSE નિફ્ટી 374 પોઈન્ટ વધ્યો હતો. એશિયા અને યુરોપ બજારોમાં તેજી વચ્ચે નીચા સ્તરે વેચવાલી જોવા મળી હતી. એક દિવસ પહેલા BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં 10 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
આજે ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિ 1.80 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ હતી. બીએસઇ સેન્સેક્સ હાલમાં 487.79 પોઇન્ટના ઘટાડા સાથે 73739.29 અને નિફ્ટી 50 129.35 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યું છે.
રેડ ઝોનમાં બજારની શરૂઆત
બુધવારે શેરબજારની શરૂઆત રેડ ઝોનમાં થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 74,103 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 74,227.08 થી નીચે હતો, અને થોડીવારમાં તે 440 પોઈન્ટથી વધુ ઘટીને 73,700ના સ્તરે પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ તીવ્ર ઘટાડો થયો અને NSE નિફ્ટી તેના અગાઉના બંધ 22,535.85 થી ઘટીને 22,460.30 પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે પણ સેન્સેક્સ સાથે તાલમેલ રાખીને 22,357 પર સરકી ગયો હતો
શરૂઆતના કારોબારમાં જ્યારે HUL, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સના શેરમાં વધારો જોવા મળ્યો જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, HCL ટેક, ટેક મહિન્દ્રા, સિપ્લા અને ONGCના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ગ્લોબલ માર્કેટમાં હલચલ
ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવ્યા બાદથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર સતત વધી રહ્યો છે. આનાથી વૈશ્વિક બજાર પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે. બજાર તૂટી રહ્યું હોય તેવું લાગે છે. ડાઉ જોન્સમાં લગભગ 2000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે. જ્યારે નાસ્ડેક પણ 2.5 ટકા ઘટ્યો છે.
અહીં, અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ એ હદે વધી ગયો છે કે વ્હાઇટ હાઉસે 9 એપ્રિલથી ચીનથી આયાત થતા માલ પર 107 ટકા વધારાનો ટેરિફ લગાવવાની વાત પણ કરી છે. અમેરિકાએ આવા કડક પગલાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ચીને અમેરિકન માલસામાન પર 34 ટકા પ્રતિશોધક ડ્યુટી દૂર કરવાનો ઇનકાર કરી દીધો છે.





















