(Source: ECI/ABP News/ABP Majha)
રશિયા-યુક્રેન યુદ્ધની ગુજરાતના હીરા ઉદ્યોગ પર મોટી અસર, લાખો રત્નકલાકારો પર જોખમ
Diamond industry : ગુજરાતના ગ્રામીણ ભાગોમાં કાર્યરત હીરાના એકમો પ્રોસેસિંગ અને પોલિશિંગ માટે રશિયામાંથી ઓછી માત્રામાં હીરાની આયાત કરે છે.
Russia-Ukraine War Impact: રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગુજરાત(Gujarat)નો હીરા ઉદ્યોગ (Diamond industry)ખરાબ રીતે પ્રભાવિત થયો છે. યુદ્ધના કારણે આ ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકરોની કમાણી પર ગંભીર સંકટ આવી ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ ભાગમાં કામ કરતા હીરાના કારખાનાઓ આ યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ કારખાનાઓ પ્રોસેસિંગ અને પોલિશિંગ માટે રશિયામાંથી હીરાની ઓછી માત્રામાં આયાત કરે છે.
ગુજરાતના લાખો રત્નકલાકારોની આજીવિકા જોખમમાં
જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રાજ્યના હીરા ઉદ્યોગમાં લગભગ 15 લાખ લોકો રોજગારી મેળવે છે. રશિયામાંથી નાની સાઈઝના રફ હીરાના ઓછા પુરવઠાને કારણે ગુજરાતના વેપારીઓને આફ્રિકન દેશો અને અન્ય સ્થળોએથી કાચો માલ ખરીદવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમના નફા પર અસર પડી રહી છે. તેથી, રાજ્યના હીરા કારખાનાઓએ તેમના કામદારો અને પોલિશર્સનાં કામના કલાકો ઘટાડી દીધા છે, જેના કારણે તેમની આજીવિકા પર અસર જોવા મળી છે.
મોટી કંપનીઓએ ઈ-મેઈલ મોકલીને કહ્યું- રશિયન સામાન નહીં ખરીદે
મોટા કદના હીરાની પ્રક્રિયા મુખ્યત્વે ગુજરાતના સુરત શહેરના કારખાનાઓમાં થાય છે. ભારત 70 ટકા કટ અને પોલિશ્ડ હીરાની યુએસમાં નિકાસ કરે છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ તેણે રશિયન કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નાવડિયાએ કહ્યું કે અમેરિકાની કેટલીક મોટી કંપનીઓએ તેમને ઈ-મેઈલ મોકલીને કહ્યું છે કે તેઓ રશિયન સામાન નહીં ખરીદે. એટલે કે રશિયામાંથી આવેલા અને ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલા હીરા અમેરિકાની કંપનીઓ નહીં ખરીદે.
ગુજરાતના આ જિલ્લાના રત્નકલાકારો પર ખરાબ અસર
દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે આના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં હીરા કામદારોને માઠી અસર થઈ છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તરીય રત્નકલાકારોને પણ તેની અસર થઈ છે.
તેમણે કહ્યું "અમે રશિયામાંથી લગભગ 27 ટકા રફ હીરાની આયાત કરતા હતા પરંતુ યુદ્ધના કારણે આ જથ્થો ગુજરાતમાં પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચી રહ્યો નથી, જેના કારણે ત્યાંના કામ પર અસર પડી રહી છે."
ગુજરાતમાં ડાયમંડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા સમગ્ર શ્રમ દળના લગભગ 50 ટકા નાના કદના હીરા પર કામ કરે છે, જેને સ્થાનિક રીતે 'પાટલી' તરીકે ઓળખવામાં આવે છે.
રશિયામાંથી આવે છે 60 ટકા હીરા
યુદ્ધ પહેલાં, ગુજરાતમાં પોલિશિંગ માટે આયાત કરવામાં આવતા રફ હીરામાંથી 30 ટકા હિરા ખાણકામ કરતી રશિયન કંપની અલરોસામાંથી આવતા હતા. પોલિશિંગ અને પ્રોસેસિંગ માટે ગુજરાતમાં જે હીરા આવે છે તેમાંથી 60 ટકા રશિયામાંથી આવે છે. આમાંના મોટાભાગના નાના કદના હીરા છે.