SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
sbi fd rate: 'અમૃત વર્ષા' સ્કીમ પર પણ કાતર ફરી, સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટીઝન્સના ખિસ્સા પર થશે સીધી અસર.

sbi fd rate: દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ રોકાણકારોને નિરાશ કરતા સમાચાર આપ્યા છે. જો તમે તમારી બચતને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકવાનું વિચારી રહ્યા હોવ, તો હવે તમને ઓછું વળતર મળશે. બેંકે અમુક ચોક્કસ સમયગાળાની થાપણો પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકની વેબસાઈટ પર અપડેટ થયેલી માહિતી મુજબ, આ નવા સુધારેલા દરો 15 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવી ચૂક્યા છે. આ નિર્ણયની અસર સામાન્ય લોકોની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોની વ્યાજની આવક પર પણ પડશે.
2 થી 3 વર્ષની FD પર વ્યાજ ઘટ્યું
SBI એ મધ્યમ ગાળાની એટલે કે '2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી' મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં 5 બેસિસ પોઈન્ટ (bps) નો કાપ મૂક્યો છે.
સામાન્ય નાગરિકો: અગાઉ આ મુદત પર 6.45% વ્યાજ મળતું હતું, જે હવે ઘટીને 6.40% થઈ ગયું છે.
સિનિયર સિટીઝન્સ: વરિષ્ઠ નાગરિકો માટે આ દર 6.95% હતો, જે ઘટાડીને હવે 6.90% કરવામાં આવ્યો છે.
લોકપ્રિય 'અમૃત વર્ષા' યોજનામાં પણ ઘટાડો
SBI ની સૌથી વધુ ચર્ચિત 444 દિવસની સ્પેશિયલ સ્કીમ 'અમૃત વર્ષા' (Amrit Varsha) પણ હવે પહેલા જેટલી ફાયદાકારક રહી નથી.
સામાન્ય ગ્રાહકો: આ સ્કીમમાં વ્યાજ દર 6.60% થી ઘટાડીને 6.45% કરી દેવામાં આવ્યો છે.
સિનિયર સિટીઝન્સ: તેમને હવે 7.10% ને બદલે 6.95% વ્યાજ મળશે.
સુપર સિનિયર સિટીઝન્સ (80 વર્ષથી વધુ): તેમના માટે વ્યાજ દર 7.20% થી ઘટીને 7.05% થયો છે.
SBI ના સુધારેલા વ્યાજ દરો (15 ડિસેમ્બર, 2025 થી લાગુ)
| સમયગાળો (Tenure) | સામાન્ય નાગરિક (નવો દર) | સિનિયર સિટીઝન (નવો દર) |
| 7 થી 45 દિવસ | 3.05% | 3.55% |
| 46 થી 179 દિવસ | 4.90% | 5.40% |
| 180 થી 210 દિવસ | 5.65% | 6.15% |
| 211 દિવસ થી 1 વર્ષથી ઓછું | 5.90% | 6.40% |
| 1 વર્ષ થી 2 વર્ષથી ઓછું | 6.25% | 6.75% |
| 2 વર્ષ થી 3 વર્ષથી ઓછું | 6.40% | 6.90% |
| 3 વર્ષ થી 5 વર્ષથી ઓછું | 6.30% | 6.80% |
| 5 વર્ષ થી 10 વર્ષ સુધી | 6.05% | 7.05% |
સુપર સિનિયર સિટીઝન્સ માટે શું છે નિયમ?
SBI પોતાના 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગ્રાહકો (સુપર સિનિયર સિટીઝન્સ) ને 'સિનિયર સિટીઝન કેર' અંતર્ગત વિશેષ લાભ આપે છે. તેમને સામાન્ય સિનિયર સિટીઝન કરતા પણ 10 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ મળે છે. જોકે, બેંકે સ્પષ્ટતા કરી છે કે આ વધારાનો લાભ રિકરિંગ ડિપોઝિટ (RD), ટેક્સ સેવિંગ FD અને નોન-કોલેબલ ડિપોઝિટ જેવી કેટલીક પ્રોડક્ટ્સ પર લાગુ પડશે નહીં.



















