Gold Price: સોનામાં રોકાણનો શ્રેષ્ઠ સમય, દિવાળી સુધીમાં ભાવ પહોંચી શકે છે 60 હજાર સુધી
ભારતમાં કોરોના સંક્રમણને કારણે બગડતી સ્થિતિથી ઘરેલુ માર્કેટમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.એક્સપર્ટના મતે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 60 હજાર સુધી પહોંચી શકે છે.
નવી દિલ્હીઃ અમેરિકન બોન્ડના યીલ્ડમાં વધારાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટી છે. રોકાણકારો સોનામાં રોકાણ પહેલા અમેરિકન કન્ઝ્યૂમર પ્રાઈસ ડેટાની રાહ જોઈ રહ્યા છે બીજી બાજુ ભારતમાં કોરોના સંક્રમણને કારણે બગડતી સ્થિતિથી ઘરેલુ માર્કેટમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.એક્સપર્ટના મતે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 60 હજાર સુધી પહોંચી શકે છે.
બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનામાં રોકાણ ઘટ્યું
અમેરિકામાં ત્રીજા દિવસે બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવ્યો. તેનાથી સોનામાં રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું છે. આ જ કારણે તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સરકાર ભારે સ્ટિમ્યુલસ પેકેજ આપે ત્યારે બજારમાં મોંઘવારી વધતી હોય છે અને લોકો તેના હેડિંગ માટે સોનામાં રોકાણ વધારતા હોય છે અથવા તો સોનું મોઘું થતું હોય છે. ભારતમાં ફિઝિકલ સોનાની માગ સતત ઘટી રહી છે કારણ કે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનને કારણે માર્કેટ બંધ છે અને જ્વેલરી સ્ટોરમાં લોકો નથી જઈ શકતા. અખાત્રીજ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટોર ન ખુલવાથી ફિઝિકલો સોનાનું વેચાણ નથી થઈ રહ્યું.
અખાત્રીજ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો
બીજી બાજુ ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર સોનાની કિંમત 0.32 ટકા એટલે કે 152 રૂપિયા ઘટીને 47481 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે જ્યારે ચાંદીની કિંમત 0.74 ટકા એટલે કે 529 રૂપિયા ઘટીને 71400 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. ત્યારે અખાત્રીજ પહેલા મંગળવારે હાજારમાં સોનાની કિંમત ઘટીને 47789 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ હતી જ્યારે ચાંદીની કિંમત પણ ઘટી હતી અને તે 70969 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. અમદાવાદમાં બુધવારે હાજર બજારમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 47550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકા ઘટીને 2961.52 ડોલર પ્રિત ઔંસ પર વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદી 0.1 ટકા ઘટાડા સાથે 27.29 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.
કેટલો થશે ભાવ
કોમોડિટી એક્સપર્ટના કહેવા માટે સોનામાં રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આગામી સમયમાં તેજી રહેવાની આશા છે. સોનામાં છેલ્લા થોડાં દિવસોથી તેજી આવી છે અને 48 હજાર આસપાસ થોડો ઘટાડો થવાની શક્યતા છે. મિડ ટર્મમાં 52 હજાર રૂપિયા અને લોંગ ટર્મમાં 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.
પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ વધી
ભારતમાં સોનાની માંગ જાન્યુઆરી-માર્ચ 2021 ત્રિમાસિક દરમિયાન ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષના સમયગાળામાં 37 ટકા વધીને 140 ટન પર પહોંચી છે. ડબલ્યુસીજીના આંકડા મુજબ 2020ના પ્રથમ ત્રિમાસિકમાં સોનાની માંગ 102 ટન હતી.