Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
બુલિયન માર્કેટમાં તોફાન: સોનું ₹1,38,000 ને પાર અને ચાંદીએ ₹2 લાખની સપાટી કૂદાવી, વૈશ્વિક કારણો જવાબદાર.

gold price today: બુલિયન માર્કેટમાં આજે તેજીનો જબરદસ્ત તોખાર જોવા મળ્યો છે. રોકાણકારો અને ગ્રાહકો માટે મોટા સમાચાર છે કે સોના અને ચાંદીના ભાવ (Gold and Silver Prices) એ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400 નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સોનું પણ નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. વૈશ્વિક બજારના સંકેતોને કારણે ઘરેલુ બજારમાં આ પ્રચંડ ઉછાળો આવ્યો છે.
સોમવારે સપ્તાહની શરૂઆત થતાની સાથે જ દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં આગ લાગી હતી. બંને કિંમતી ધાતુઓએ તેમના 'લાઈફટાઈમ હાઈ' લેવલને સ્પર્શ કર્યો છે. ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે આ ભાવવધારો મોટો ઝટકો સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ ખુશીના સમાચાર છે.
સોનાના ભાવમાં નવો રેકોર્ડ
દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹1,685 નો ઉછાળો નોંધાયો છે. આ વધારા સાથે સોનું પ્રતિ 10 Grams દીઠ ₹1,38,200 ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે સોનાનો ભાવ ₹1,36,515 પર સ્થિર થયો હતો, જે આજે વધીને નવી ટોચ પર પહોંચ્યો છે.
ચાંદીમાં ₹10,000 થી વધુનો ઉછાળો
સોના કરતાં પણ વધારે ચમક આજે ચાંદીમાં જોવા મળી હતી. ચાંદીના ભાવમાં સીધો ₹10,400 નો વધારો થયો છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,14,500 ના નવા સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગયા શુક્રવારે ચાંદીના ભાવમાં ₹3,500 નો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ₹2,04,100 પર બંધ થઈ હતી. પરંતુ સોમવારે આ ઘટાડો સરભર થઈને બમણી તેજીમાં પરિવર્તિત થયો હતો.
વૈશ્વિક બજારની અસર
વિદેશી બજારોમાં પણ કિંમતી ધાતુઓની ચમક વધી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોટ સિલ્વર (હાજર ચાંદી) $2.31 એટલે કે 3.44% વધીને $69.45 પ્રતિ ઔંસના રેકોર્ડ લેવલે ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનું પણ $80.85 (1.86%) ના ઉછાળા સાથે $4,420.35 પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે.
ભાવ વધવા પાછળના કારણો શું છે?
HDFC સિક્યોરિટીઝના કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીના જણાવ્યા અનુસાર, આ તેજી પાછળ મુખ્યત્વે અમેરિકન અર્થતંત્રના પરિબળો જવાબદાર છે.
વ્યાજદરમાં ઘટાડો: અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે, જે સોના-ચાંદી માટે ફાયદાકારક છે.
આર્થિક અનિશ્ચિતતા: અમેરિકન અર્થતંત્રમાં વધી રહેલી અનિશ્ચિતતા અને રાજકોષીય ચિંતાઓને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે.
સેફ હેવન એસેટ: જ્યારે પણ બજારમાં ડરનું વાતાવરણ હોય છે, ત્યારે સોના અને ચાંદીને 'સેફ હેવન' (સુરક્ષિત આશ્રયસ્થાન) માનવામાં આવે છે, જેના કારણે તેમાં ખરીદી નીકળે છે.





















